ભારતીય ફૂટબોલ ટીમે કેપ્ટન સુનીલ છેત્રીના બે ગોલની મદદથી અહીં 20220ફૂટબોલ વર્લ્ડ કપ અને 2023 એશિયન કપ ક્વોલીફાયર્સ ગ્રુપ-ઈ ના બીજા રાઉન્ડ મુકાબલામાં બાંગ્લાદેશને ૨-૦ થી હરાવ્યું હતું. આ જીત સાથે જ સુનીલ છેત્રીએ આર્જેટીનાના દિગ્ગજ ફૂટબોલર મેસીનો રેકોર્ડ તોડી દીધો છે.

સુનીલ છેત્રીએ ૭૯ મી મિનીટમાં ગોલ કરી ટીમનું ખાતું ખોલ્યા બાદ અંતિમ ક્ષણોમાં એક વધુ ગોલ કરી ગ્રુપ ઈની આ મેચમાં ટીમની જીત સુનિશ્વિત કરી દીધી હતી. તેની સાથે ૩૬ વર્ષીય સ્ટ્રાઈકરે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના ગોલની સંખ્યા ૭૪ કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સક્રિય ખેલાડીઓમાં પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (૧૦૩) બાદ હવે સુનીલ છેત્રીના નામે સૌથી વધુ ગોલ થઈ ગયા છે.

તેની સાથે સુનીલ છેત્રી સર્વાધિક ગોળ કરનાર યાદીમાં સર્વકાલિક યાદીમાં ૧૧ માં સ્થાન પર પહોંચી ગયા છે. તેમનાથી આગળ ૧૦ માં નંબર પર ત્રણ ખેલાડી છે. હંગરીના સેન્ડર કોક્સીસ, જાપાન કુનીશીગે કામટો અને કુવૈતના બશર અબ્દુલ્લાહના ૭૫-૭૫ ગોલ છે. સુનીલ છેત્રીથી ઠીક પાછળ ચાલી રહેલા યુએઈના અલીએ છેલ્લા અઠવાડિયે મલેશિયા સામે પોતાનો ૭૩ મો ગોલ કર્યો જ્યારે મેસીએ ચીલી વિરુદ્ધ ૭૨ મો ગોલ કર્યો હતો.

ભારતને આ અગાઉ ત્રણ જૂનના એશિયા ચેમ્પિયન કતર સામે ૦-૧ થી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમનાથી આ મેચમાં બાંગ્લાદેશને હાર આપી શાનદાર વાપસી કરી છે. ભારતને હજુ ૧૫ જૂનના અફઘાનિસ્તાન સામે મેચ રમવાની છે. બાંગ્લાદેશે અંતિમ મિનીટ સુધી બરાબરી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળ થઈ શકશો નહીં. ઉલ્લેખનીય છે કે, ભારત ૨૦૨૨ વર્લ્ડ કપની રેસથી પહેલાથી બહાર થઈ ચુક્યું છે.