ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને તેના પ્રવાસના દિગ્ગજ માર્ક ટેલરનું માનવું છે કે, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન રૂટ ટેસ્ટ મેચ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી શકે છે. એશિઝ શ્રેણીમાં હાર બાદ સુકાની પદ છોડનાર જો રૂટે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં અણનમ સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

ઇંગ્લેન્ડને મનોબળ વધારતી જીત તરફ માર્ગદર્શન આપતી વખતે, જો રૂટે 10,000 રનનો આંકડો પાર કર્યો અને ટેસ્ટમાં આવું કરનાર 14મો ક્રિકેટર બન્યો હતો. જો રૂટના નામે હવે 10,015 ટેસ્ટ રન છે અને તે તેંડુલકરથી 5,906 રન પાછળ છે. સચિને 200 ટેસ્ટની કારકિર્દીમાં 15,921 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માર્ક ટેલરને લાગ્યું કે, 31 વર્ષની ઉંમરે, રૂટ પાસે ટેસ્ટ ક્રિકેટમાં હજુ ઘણા વર્ષો બાકી છે, તેમણે કહ્યું કે, તેંડુલકરનો રેકોર્ડ ‘પ્રાપ્ત કરવા તે યોગ્ય’ છે. ટેલરે સ્કાય સ્પોર્ટ્સ પર કહ્યું છે કે, “જો રૂટ પાસે ઓછામાં ઓછા પાંચ વર્ષ બાકી છે, તેથી મને લાગે છે કે તેંડુલકરનો રેકોર્ડ પ્રાપ્ત કરી શકાય છે.” ટેલરે વધુમાં કહ્યું કે, “રુટ સારી બેટિંગ કરી રહ્યો છે. તે તેની કારકિર્દીમાં ટોચ પર છે, તેથી જો તે સ્વસ્થ રહેશે તો તે 15,000 થી વધુ રન બનાવી શકે છે.”

ઈંગ્લેન્ડના મહાન ક્રિકેટર સર એલિસ્ટર કૂકે પણ પૂર્વ ટેસ્ટ કેપ્ટનના વખાણ કરતા બીબીસી ટેસ્ટ મેચ સ્પેશિયલ પર કહ્યું કે, “હું માત્ર રુટ્સની બેટિંગ પસંદ કરું છું.” તમને જણાવી દઈએ કે રૂટ પોતાના દેશમાં 10,000 ટેસ્ટ રન બનાવનાર બીજા ક્રિકેટર છે. કુકે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 12,472 રન બનાવ્યા હતા.