ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પને અફઘાનિસ્તાનના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તે સ્ટુઅર્ટ લોનું સ્થાન લેશે, જેઓ વચગાળાના કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. સ્ટુઅર્ટ લોને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા વચગાળાના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે લાન્સ ક્લુઝનરે તેમનો કરાર રિન્યૂ ન કરવાનો નિર્ણય લીધો હતો જે 31 ડિસેમ્બરે સમાપ્ત થઈ ગયો હતો. હવે કાયમી કોચની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર લાન્સ ક્લુઝનરે 2019 વર્લ્ડ કપ પછી બે વર્ષથી વધુ સમય સુધી આ પદ સંભાળ્યું હતું. 100 ટેસ્ટ અને 82 ODI રમી ચૂકેલા થોર્પે ઓસ્ટ્રેલિયામાં નબળી એશિઝ શ્રેણી બાદ ઈંગ્લેન્ડના બેટિંગ કોચ પદેથી રાજીનામું આપ્યું હતું.

અફઘાનિસ્તાન જુલાઈમાં એક ટેસ્ટ, ત્રણ ODI અને ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચો માટે આયર્લેન્ડનો પ્રવાસ કરશે, જે ટીમ સાથે થોર્પનું પ્રથમ કાર્ય હશે. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ પહેલા સપ્ટેમ્બરમાં એશિયા કપમાં રમશે. આ આધારે T20 વર્લ્ડ કપની તૈયારી માટે થોર્પ પાસે ઓછો સમય રહેશે.

ICC વન-ડે સુપર લીગમાં અફઘાનિસ્તાન નવ મેચમાં સાત જીત અને 70 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. તે ICC મેન્સ ટી20 રેન્કિંગમાં 232 રેન્કિંગ પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે.