ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ભારતીય ચાહકો વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝનું જીવંત પ્રસારણ દેશના જાહેર પ્રસારણકર્તા ડીડી સ્પોર્ટ્સ પર જોઈ શકશે. વાસ્તવમાં ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી થવા જઈ રહ્યો છે. હવે 15 વર્ષ પછી એવું થવા જઈ રહ્યું છે કે, ભારતની કોઈપણ વિદેશી સીરીઝ ડીડી સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ થશે. અગાઉ એપ્રિલ 2021 માં, ફેનકોડે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) સાથે ચાર વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે, તે ડિજિટલ માટે હતા.

ફેનકોડ વર્ષ 2024 સુધીમાં કેરેબિયન દેશોમાં લગભગ 150 આંતરરાષ્ટ્રીય અને 250 સ્થાનિક ક્રિકેટનું જીવંત પ્રસારણ કરશે. ફેનકોડ એપ પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝની સીરીઝની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. વાસ્તવમાં, માત્ર ટેલિવિઝનના દર્શકો જ ભારતના વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસને ચૂકી ન જાય તેની ખાતરી કરવા માટે, ફેનકોડે ડીડી સ્પોર્ટ્સને ડીડી ફ્રીડિશ સિવાયના તમામ કેબલ અને ડીટીએચ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ ટીવી અધિકારોની ઓફર કરી છે.

પ્રસાર ભારતીના સીઈઓ મયંક કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, “ભારત હંમેશા ક્રિકેટ, રમતગમત અને મનોરંજનમાં અગ્રેસર રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ઝઝડપથી વધી રહેલ ડીઝીટલ યુગમાં પણ, ટેલીવિઝન પણ સ્પોર્ટ્સ જોવા માટે એક મહત્વપૂર્ણ બજાર અને દર્શક રહેલા છે અને અમે પશ્વિમના આગામી ભારત પ્રવાસને લઈને ખુશ છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, “જ્યારે ફેનકોડ રમતગમતના ચાહકો માટે એક અપ્રતિમ ડિજિટલ અનુભવ બનાવી રહ્યું છે, ત્યારે DD સ્પોર્ટ્સ’ અધિકારોના વિસ્તરણનો અર્થ એ છે કે, તમામ રમત ચાહકો માટે શ્રેણી લાવવાનું છે.