ન્યુઝીલેન્ડ માટે સારા સમાચાર છે. ટીમનો ઓલરાઉન્ડર ડેરીલ મિચેલ પોતાની ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે. ટી-20 વર્લ્ડ કપ 2022 પહેલા તે સંપૂર્ણ રીતે ફિટ થવાની આશા છે. તે T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચના પ્લેઇંગ-11નો ભાગ બની શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 22 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે.

ડેરીલ મિચેલને ગયા અઠવાડિયે તેના જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આ પછી તેને પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે લેટેસ્ટ સ્કેનમાં જાણવા મળ્યું છે કે તેની ઈજા ઝડપથી ઠીક થઈ રહી છે.

ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે એક નિવેદનમાં કહ્યું, ‘અમને આશા છે કે તે પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે. બીજી મેચ માટે તે ચોક્કસપણે ટીમ સાથે જોડાશે. આ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ તેની બીજી મેચ 26 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે રમશે.

ગત વર્ષે T20 વર્લ્ડ કપમાં ડેરીલ મિચલે પોતાની ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. તેણે સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે યાદગાર ઇનિંગ રમી હતી. તેણે 47 બોલમાં 72 રન ફટકારીને ન્યૂઝીલેન્ડને ઈંગ્લેન્ડ સામે 5 વિકેટે જીત અપાવી હતી. જોકે, ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ન્યુઝીલેન્ડની T-20 વર્લ્ડ કપ ટીમ આવી છે : કેન વિલિયમસન (કેપ્ટન), ટિમ સાઉથી, ઈશ સોઢી, મિચેલ સેન્ટનર, ગ્લેન ફિલિપ્સ, જીમી નીશમ, ડેરેલ મિચેલ, એડમ મિલ્ને, માર્ટિન ગુપ્ટિલ, લોકી ફર્ગ્યુસન, ડેવોન કોનવે (wk), માર્ક ચેપમેન , મિશેલ બ્રેસવેલ, ટ્રેન્ટ બોલ્ટ અને ફિન એલન.