ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, શમીનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો

ઝડપી બોલર મોહમ્મદ શમી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની T20 સીરીઝમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝમાં લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરનાર ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચ પહેલા ટીમ માટે સારા સમાચાર છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી વર્લ્ડકપ માટે ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરાયેલા મોહમ્મદ શમીને મુખ્ય ટીમમાં લાવવા માટે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં તક મળવાની હતી, પરંતુ શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં તે કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યાર બાદ તેને હવે સાઉથ આફ્રિકા સીરીઝમાંથી પણ બહાર થવું પડ્યું છે. બીસીસીઆઈએ આજે તેના સ્થાનની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેના થોડા કલાકો બાદ શમીનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા ચોક્કસપણે ટીમ માટે રાહતના સમાચાર છે, પરંતુ શમીને ફરીથી ટીમમાં સ્થાન મળશે કે નહીં તે એક મોટી વાત છે. ટીમ મેનેજમેન્ટ પર પ્રશ્ન ઉભો થયો છે.
સાઉથ આફ્રિકા સામેની 3 મેચની T20 સીરીઝ માટે ભારતીય ટીમમાં ત્રણ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. તેની સત્તાવાર જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા કરવામાં આવી છે. 28 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ T20 શ્રેણી માટે ટીમમાં ઝડપી બોલર ઉમેશ યાદવ, બેટ્સમેન શ્રેયસ અય્યર અને ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદના નામ સામેલ છે. જ્યારે ઝડપી બોલર મોહમ્મદ શમી સિવાય, દીપક હુડ્ડા, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા ટીમની બહાર થઈ ગયા છે.