મહિલા ક્રિકેટમાં ભારતે બીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચ 88 રનથી જીતી લીધી હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈંગ્લેન્ડ સામેની મેચ રમીને એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તે ODI ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ રન બનાવનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને હતી અને હવે તેણે ત્રીજા સ્થાન પર પણ કબજો જમાવી લીધો છે.

હરમનપ્રીત કૌરે બીજી વનડેમાં 111 બોલમાં અણનમ 143 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 18 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. ભારત તરફથી રમતા આ તેનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. જ્યારે ભારતીય મહિલા ખેલાડીઓની યાદીમાં ત્રીજો શ્રેષ્ઠ સ્કોર છે. હરમનપ્રીતે એક ODI મેચમાં અણનમ 171 રન બનાવ્યા હતા. ODI ફોર્મેટમાં આ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે.

ODI ફોર્મેટમાં ભારત માટે મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ દીપ્તિ શર્માના નામે છે. તેણે 188 રન બનાવ્યા છે. આ મામલામાં હરમનપ્રીત બીજા અને ત્રીજા સ્થાને છે. હરમનપ્રીતે એક મેચમાં 171 અને બીજી મેચમાં 143 રન બનાવ્યા છે. જયા શર્મા આ મામલે ચોથા સ્થાન પર છે. તેણે અણનમ 138 રન બનાવ્યા હતા. જ્યારે સ્મૃતિ મંધાના 135 રન સાથે પાંચમા સ્થાન પર છે.

ODI ફોર્મેટમાં ભારતીય મહિલા ખેલાડીઓનો શ્રેષ્ઠ સ્કોર –

188 – દીપ્તિ શર્મા

171* – હરમનપ્રીત કૌર

143* – હરમનપ્રીત કૌર

138* – જયા શર્મા

135 – સ્મૃતિ મંધાના