ઇંગ્લેન્ડ સામે હરમનપ્રીત કૌરે 14૩ રન બનાવવાની સાથે બનાવ્યો આ ખાસ રેકોર્ડ

હરમનપ્રીત કૌરે ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં કેપ્ટનશીપની ઈનિંગ્સ રમીને ભારતીય ટીમને મેચની સાથે સાથે શ્રેણીમાં પણ વિજય અપાવ્યો હતો. 23 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડમાં વનડે સીરીઝ જીતી છે. આ મેચમાં હરમનપ્રીતને તેની વિસ્ફોટક બેટિંગ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ પણ પસંદ કરવામાં આવી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટને 111 બોલમાં 143 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 18 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. હરમનપ્રીતે 100 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ત્યાર બાદ તેણે આગામી 11 બોલમાં 43 રન બનાવ્યા હતા. ડેથ ઓવરોમાં તેની વિસ્ફોટક બેટિંગના કારણે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 334 રનનો વિશાળ ટાર્ગેટ રાખવામાં સફળ રહી હતી.
હરમનપ્રીત કૌરની આ પાંચમી ODI સદી છે. તે સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય ખેલાડીઓમાં સ્મૃતિ મંધાના (5) સાથે સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગઈ છે. મિતાલી રાજ (7) ના નામે ભારત માટે સૌથી વધુ ODI સદીનો રેકોર્ડ છે. હરમનપ્રીતે આ વિશાળ સ્કોર સાથે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારતીય મહિલા બેટ્સમેને બનાવેલો આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા વર્ષ 2017 માં દીપ્તિ શર્માએ 188 રન અને હરમનપ્રીતે 171 રન બનાવ્યા હતા.
બુધવારે રાત્રે કેન્ટબરીમાં રમાયેલી સીરીઝની બીજી મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 88 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સીરીઝમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હરમનપ્રીતના 111 રન ઉપરાંત હરલીન દેઓલ (58) અને સ્મૃતિ મંધાના (40)એ પણ મહત્વની ઈનિંગ્સ રમી હતી. જવાબમાં 334 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની સમગ્ર ટીમ 44.2 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ ગઈ હતી. ભારત તરફથી રેણુકા સિંહે 57 રનમાં 4 વિકેટ લીધી હતી.