ઈંગ્લેન્ડે શુક્રવારે રાત્રે પાકિસ્તાન સામેની T20 મેચ 63 રને જીતી લીધી હતી. કરાચીમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લિશ ટીમે પહેલા 221 રનનો જંગી સ્કોર બનાવ્યો અને બાદમાં પાકિસ્તાની બેટ્સમેનોને માત્ર 158 રનમાં જ રોકી દીધું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડે સાત મેચની T20I શ્રેણીમાં 2-1 ની સરસાઈ મેળવી લીધી છે.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે પ્રથમ વિકેટ જલ્દી જ ગુમાવી દીધી હતી. ફિલ સોલ્ટ (8) મોહમ્મદ હસનૈનનો શિકાર બન્યો હતો. જો કે તેનાથી ઈંગ્લેન્ડના રન રેટ પર કોઈ અસર પડી નહોતી. ત્યાર બાદ ડેવિડ મલાન (14) અને વિલ જેક્સ (40) ને ઉસ્માન કાદિરે પેવેલિયન મોકલ્યા હતા. અહીંથી હેરી બ્રુકે 35 બોલમાં 81 રન અને બેન ડ્યુકેટે 42 બોલમાં 70 રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 69 બોલમાં 139 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે નિર્ધારિત ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા.

222 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. 28 રનના કુલ સ્કોર પર પાકિસ્તાનની ટીમે ટોપ ઓર્ડરની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ રિઝવાન (8), બાબર આઝમ (8), હૈદર અલી (3) અને ઇફ્તિખાર અહેમદ (6) ડબલ આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા. શાન મસૂદે 40 બોલમાં 65 રનની ઇનિંગ રમીને ટક્કર આપી પરંતુ તે જીતમાં નિષ્ફળ રહી ગયા હતા.  પાકિસ્તાનની ટીમ નિર્ધારિત ઓવરોમાં 8 વિકેટના નુકસાને 158 રન જ બનાવી શકી હતી. આ રીતે પાકિસ્તાનની ટીમને 63 રનથી મોટી હાર મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી આ મેચમાં માર્ક વૂડે 3 અને આદિલ રાશિદે 2 વિકેટ લીધી હતી.