પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં 657 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે યુવા બેટ્સમેન હેરી બ્રુકે શાનદાર ઇનિંગ રમતા 116 બોલમાં 153 રન ફટકાર્યા હતા. પોતાની ઇનિંગમાં તેણે 19 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ હતી કે, ટેસ્ટ મેચના બીજા દિવસે તેણે પાકિસ્તાની બોલર ઝાહિદ મહમૂદની બોલિંગ પર એક ઓવરમાં 27 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે પહેલા દિવસે સઈદ શકીલની ઓવરમાં સતત 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 83મી ઓવરમાં આ કારનામું કર્યું હતું. તેણે બ્રુક સામે બોલિંગ કરવા આવેલા ઝાહિદ મહમૂદનું સિક્સર વડે સ્વાગત કર્યું હતું. આ પછી બ્રુકે મહેમૂદના બોલ પર સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. બ્રુકનું બેટ અહીં જ ન અટક્યું, આ પછી તેણે ઓવરના છેલ્લા બે બોલમાં સતત બે સિક્સર ફટકારીને આ ઓવરમાં 27 રન બનાવ્યા હતા.

બ્રુક પહેલા પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર શાહિદી આફ્રિદી આ કારનામું કરી ચૂક્યો છે. તેણે ભારત સામે 2005-06 ની સીરીઝમાં હરભજન સિંહ સામેની ઓવરમાં 27 રન બનાવ્યા હતા. આફ્રિદીએ આ કારનામું લાહોર ક્રિકેટ સ્ટેડિયમમાં કર્યું હતું, જ્યારે બ્રુકે આ કારનામું રાવલપિંડીમાં કર્યું છે.

તમને જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના નામે છે. તેણે ઈંગ્લેન્ડના દિગ્ગજ ઝડપી બોલર ક્રિસ બ્રોડ સામે એક ઓવરમાં 35 રન ફટકાર્યા હતા. બ્રોડ એકમાત્ર એવો બોલર છે જેની સામે યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ 2007માં એક ઓવરમાં સતત 6 સિક્સર ફટકારી હતી.