મેચની ટિકિટ માટે થયેલી નાસભાગ પર HCA પ્રમુખ અઝહરુદ્દીને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 25 સપ્ટેમ્બરે યોજાનારી ભારત-ઓસ્ટ્રેલિયા T20 મેચ (IND vs AUS T20I) ની ટિકિટ ખરીદવા માટે ગુરુવારે ભારે હોબાળો થયો હતો. હૈદરાબાદના જીમખાના મેદાનમાં ટિકિટ ખરીદવા ક્રિકેટ ચાહકોનો ધસારો હતો. ભીડ અને ધક્કામુક્કી વચ્ચે નાસભાગ મચી ગઈ, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. તે જ સમયે, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીને આ મામલે મોટું નિવેદન આપ્યું છે.
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીને મેચની ટિકિટોમાં નાસભાગ પર નિવેદન આપતા કહ્યું કે, મારી પાસે વેચાયેલી તમામ ટિકિટોની યાદી છે. બધું નોંધાયેલ છે, છુપાવવા માટે કંઈ નથી. જ્યાં સુધી ટિકિટનો સવાલ છે, લોકોનું કહેવું ખોટું છે કે મેચની ટિકિટ બ્લેકમાં વેચાઈ છે. લોકો જે કંઈ કહે છે તે જુઠ્ઠું છે.
જ્યારે અઝહરે એમ પણ જણાવ્યું છે કે, મેચનું આયોજન કરવું સરળ કામ નથી. રૂમમાં બેસીને ખાલી ચર્ચાઓ કરીને મેચો યોજાતી નથી. અમે કંઈ ખોટું કર્યું નથી. અમે ગુરુવારે સવારે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ચાહકોની સાથે છીએ. HCA આ તમામની સંપૂર્ણ કાળજી લેશે. હું ટિકિટના વેચાણનો સંપૂર્ણ અહેવાલ અને ઉપલબ્ધ ટિકિટો અને અન્ય માહિતી મંત્રી સોંપવા જઈ રહ્યો છું અને તેઓ જણાવશે કે શું સાચું છે અને શું ખોટું.
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને 15 સપ્ટેમ્બરથી ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કર્યું છે. તેમ છતાં થોડીવારમાં જ ઓનલાઈન ક્વોટા માટેની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. આ પછી HCA એ જાહેરાત કરી હતી કે, કાઉન્ટર ટિકિટનું વેચાણ 22 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. ઓનલાઈન બાદ જ્યારે ચાહકોને ભીડના કારણે ઓફલાઈન ટિકિટ પણ મળી શકી ન હતી ત્યારે જીમખાનામાં જ હોબાળો મચી ગયો હતો. ક્રિકેટ ચાહકો પણ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) નો વિરોધ કરતા જોવા મળ્યા હતા. ચાહકોનું કહેવું છે કે HCA એ ટિકિટના વેચાણમાં કૌભાંડ કર્યું છે અને ટિકિટોનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે.