ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર દરમ્યાન રમાશે. આ સીરીઝની શરૂઆત પહેલા જ ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડમાં કોરોનાનાં કેસમાં ઝડપી વધારાની અસર ટીમ ઈન્ડિયા પર જોવા મળી છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાનાં 2 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ માહિતી સામે આવ્યા બાદ ખેલાડી આઇસોલેટ થઈ ગયા છે. આ સમાચાર બાદ હવે ચેપગ્રસ્ત ખેલાડીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.

ઈંગ્લેન્ડમાં, તાજેતરનાં સમયમાં કોરોના સંક્રમણનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ઈંગ્લિશ ટીમમાં પણ આ સંક્રમણનો પ્રવેશ જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડના 3 ખેલાડીઓ સહિત 7 સભ્યો સંક્રમિત થયા છે. હવે ભારતીય ખેલાડીઓ પણ કોરોના ટેસ્ટમાં સંક્રમિત જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમનાં 2 સભ્યો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે, જેણે હવે ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધારી દીધી છે. જેના કારણે, બાકીની ટીમ સાથે આ ખેલાડી ડરહમ પહોંચશે નહીં, જ્યાં ભારતીય ખેલાડીઓ ટેસ્ટ સીરીઝની તૈયારી માટે થનારી પ્રેક્ટિસ મેચ માટે એકત્ર થવાના છે. હાલમાં ટીમ ઈન્ડિયાનાં આ સભ્યની ઓળખ જાહેર કરાઈ નથી.

યુકેનાં મીડિયા મુજબ, આ ખેલાડીએ થોડા દિવસો પહેલા ગળામાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ થયેલી તપાસમાં સંક્રમિત હોવાનુ સામે આવ્યુ છે. હાલમાં, આ ખેલાડી તેના સગાનાં ઘરે આઇસોલેટ થઇ ગયા છે. તેની સાથે, કેટલાક અન્ય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનાં સભ્યો કે જેઓ તેના સંપર્કમાં આવ્યા હતા, તેઓને પણ ત્રણ દિવસ માટે કોરેનટાઈન રાખવામાં આવ્યા અને હવે તે સમાપ્ત થઈ ગયા છે. હાલ આ સભ્ય ટીમ સાથે ડરહમમાં કેમ્પના ભાગ બનશે નહીં. આ ભારતીય ખેલાડી સંક્રમણમાંથી ઠીક થયા બાદ જ ડરહમ જશે.