કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. આ દરમિયાન, હિમા દાસે 200 મીટરની રેસની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે પોતાની રેસ 23.42 સેકન્ડના સમયમાં પૂરી કરી હતી. તેના સિવાય હીમા દાસ હીટમાં પ્રથમ ક્રમે રહી હતી.

આ સિવાય મંજુ બાલાએ હેમર થ્રોની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. વાસ્તવમાં, મંજુ બાલાએ 59.68 મીટર થ્રો કર્યો અને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 11 મું સ્થાન મેળવ્યું હતું. જોકે, ભારતની બીજી એથ્લેટ સરિતા ફાઇનલમાં ક્વોલિફાય થવાથી ચૂકી ગઈ હતી. સરિતાએ 57.48 મીટરનો થ્રો કર્યો, પરંતુ ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. સરિતાએ 13મું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ટોચના 12 ખેલાડીઓએ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

આ અગાઉ કોમનવેલ્થ ગેમ્સ 2022માં એથ્લેટિક્સનો પ્રથમ મેડલ તેજસ્વિન શંકરે અપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમણે 2.22 મીટરની ઉંચી છલાંગ લગાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં હાઈ જમ્પમાં ભારતનો આ પ્રથમ મેડલ છે. આ અગાઉ, ભારત કોમનવેલ્થ ગેમ્સ 2022માં એથ્લેટિક્સમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યું હતું.