અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે તેમના શ્રીલંકા પ્રવાસની ભવ્ય શરૂઆત કરી છે. પ્રથમ વનડેમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને 60 રનના માર્જીનથી હરાવ્યું હતું અને ત્રણ મેચની સીરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી હતી. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 294 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની સમગ્ર ટીમ 38 ઓવરમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શાનદાર સદી ફટકારનાર અફઘાનિસ્તાનના ઓપનર ઈબ્રાહિમ ઝદરાનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે.

પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 84 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી જેમાં રહેમાનુલ્લા ગુરબાઝે 53 રનનું યોગદાન આપ્યું હતું. બીજા ઓપનર ઈબ્રાહિમ ઝદરાને એક તરફથી ટીમને મેચમાં બનાવી રાખી હતી અને ત્યારબાદ રહમત શાહ (52) સાથે બીજી વિકેટ માટે 118 રનની ભાગીદારી કરી હતી. નજીબુલ્લાહ જાદરાને 25 બોલમાં 42 રનની ઝડપી ઇનિંગ રમી હતી. ઈબ્રાહિમ 120 બોલમાં 106 રન બનાવીને આઉટ થયો હતો. આ તેની ODI કારકિર્દીની બીજી સદી છે.

સ્કોરનો પીછો કરતા શ્રીલંકાએ 35 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ વારંવાર અંતરાલ પર વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું. ઓપનર પથુમ નિસાન્કાએ 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ જ્યારે તેની વિકેટ પડી ત્યારે શ્રીલંકાના સ્કોર છ વિકેટના નુકસાને 168 રન હતા. વનિન્દુ હસરંગાએ અંતમાં એકલા હાથે લડત આપી, તેણે 46 બોલમાં 66 રન બનાવ્યા, પરંતુ તેની ટીમને જીતની નજીક લઈ જઈ શક્યો નહીં. અફઘાનિસ્તાન સામે ફઝલહક ફારૂકીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. ગુલાબદ્દીન નાયબે પણ ત્રણ વિકેટ ઝડપી હતી.