ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ ઓક્ટોબર મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે એવોર્ડ જાહેર કર્યો છે. આ વખતે આ એવોર્ડ ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને આપવામાં આવ્યો છે. કોહલીને આ એવોર્ડ સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાં શાનદાર પ્રદર્શન અને ટી20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન માટે આપવામાં આવ્યો છે.

વિરાટ કોહલીએ ઝિમ્બાબ્વેના દિગ્ગજ ઓલરાઉન્ડર સિકંદર રઝા અને સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરને હરાવીને આ એવોર્ડ જીત્યો છે. વિરાટ કોહલીએ પ્રથમ વખત ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. તેણે ઓક્ટોબર મહિનામાં શાનદાર બેટિંગ કરી હતી. તેને આ બેટિંગ અને ટીમ ઈન્ડિયા માટે તેના શાનદાર પ્રદર્શન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તે જ સમયે, કોહલીએ આ એવોર્ડ પછી કહ્યું કે ‘મારા માટે ખૂબ જ સન્માનની વાત છે કે મને આ એવોર્ડ આપવામાં આવ્યો’.

પ્રથમ વખત ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતનાર વિરાટ કોહલીએ ગયા મહિને શાનદાર બેટિંગ કરી હતી. તેણે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ વિનિંગ 82 રન બનાવ્યા હતા. વિરાટે આ ઇનિંગ ત્યારે રમી જ્યારે એવું લાગી રહ્યું હતું કે, ટીમ ઇન્ડિયા આ મેચ હારી જશે. વિરાટે પોતે આ ઈનિંગને પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ ગણાવી હતી. આ ઇનિંગ સિવાય વિરાટે નેધરલેન્ડ સામેની મેચમાં પણ 62 રનની જોરદાર ઇનિંગ રમી હતી.

જ્યારે વિરાટ કોહલીએ ઓક્ટોબરની શરૂઆતમાં સાઉથ આફ્રિકા સામે ટી20 શ્રેણી દરમિયાન 28 બોલમાં 49 રનની ઇનિંગ પણ રમી હતી. વિરાટ કોહલીએ ઓક્ટોબર મહિનામાં 205 ની શાનદાર એવરેજથી 205 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ 150.73 રહ્યો હતો.