ICC Player Of The Month : જોશ બટલર મેન્સ અને સિદ્રા અમીન મહિલા પ્લેયર ઓફ ધ મંથ બન્યા

આઈસીસીએ નવેમ્બર મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી છે. આ વખતે આઈસીસીનો આ વિશેષ પુરસ્કાર પુરૂષ વર્ગમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે જીત્યો હતો. અને મહિલા વર્ગમાં પાકિસ્તાનની ખેલાડી સિદ્રા અમીને આ એવોર્ડ જીત્યો છે. બંનેને નવેમ્બર મહિનામાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડના T20 કેપ્ટન જોશ બટલરને ICC દ્વારા નવેમ્બર મહિના માટે પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે આ મહિનામાં જ T20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. આ સાથે જ તેણે આ વર્લ્ડ કપમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. આઈસીસીની આ મોટી ટુર્નામેન્ટમાં બટલરે કુલ 225 રન બનાવ્યા હતા. તેણે સેમિફાઇનલ મેચમાં ભારત સામે 83 રનની મેચ વિનિંગ ઇનિંગ પણ રમી હતી.
બટલરને ઈંગ્લેન્ડના તોફાની બેટ્સમેનોમાંથી એક ગણવામાં આવે છે. તેણે પોતાના દેશબંધુ સ્પિનર આદિલ રાશિદ અને પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને પાછળ છોડીને ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ હાંસલ કર્યો છે. આ એવોર્ડ જીત્યા બાદ બટલરે તેને વોટ કરવા બદલ ચાહકોનો આભાર માન્યો છે. ક્રિકેટની દ્રષ્ટિએ આ શાનદાર મહિનો હતો. તે મારી ક્રિકેટ કારકિર્દીના શ્રેષ્ઠ મહિનાઓમાંથી એક હતો જેમાં હું સામેલ હતો.
જોશ બટલર સિવાય પાકિસ્તાનની મહિલા ખેલાડી સિદરા અમીન નવેમ્બર મહિનાની ICC મહિલા પ્લેયર ઓફ ધ મન્થ બની છે. તેણે નવેમ્બર મહિનામાં આયર્લેન્ડ સામે 176 રનની અણનમ ઇનિંગ રમી હતી, જે તેની ક્રિકેટ કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર પણ હતો. સિદ્રાએ થાઈલેન્ડના નથ્થાકન ચેન્થમ અને આયર્લેન્ડના ગેબી લુઈસને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો છે.