ICC Ranking : બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને ODI રેન્કિંગમાં 117 સ્થાનનો ફાયદો, કોહલી આઠમાં નંબરે

ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બુધવારે જારી કરાયેલી તાજેતરની ICC ODI રેન્કિંગમાં બે સ્થાન આગળ વધીને આઠમા સ્થાને પહોંચી ગયો છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રીજી વનડેમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશન 117 સ્થાનનો કુદકો લગાવીને 37 માં નંબર પર આવી ગયો છે.
કોહલીએ ઓગસ્ટ 2019 પછી ત્રીજી વનડેમાં પણ સદી ફટકારી હતી. શ્રેયસ અય્યર 20 મા સ્થાનેથી 15 મા ક્રમે પહોંચી ગયો છે. બોલિંગમાં મોહમ્મદ સિરાજ ચાર સ્થાનની છલાંગ લગાવીને 22 માં નંબર પર પહોંચી ગયો છે. ઓલરાઉન્ડર્સમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન નંબર વન પર રહેલ છે.
ઓલરાઉન્ડરોની યાદીમાં મેહદી હસન મિરાજ ત્રીજા નંબરે પહોંચી ગયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા બે સ્થાનના નુકસાન સાથે નવમા નંબર પર પહોંચી ગયો છે. બેટિંગમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ પ્રથમ અને બોલિંગમાં ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ ટોપ પર છે.
આ બંનેની ઇનિંગ્સના કારણે ભારતે ત્રીજી વનડે જીતીને પોતાના નામે કરી હતી. જો કે, પ્રથમ બે વનડેમાં હારને કારણે ટીમ ઈન્ડિયાને વનડે શ્રેણી 2-1 થી ગુમાવવી પડી હતી. હાલમાં બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે.