રવિચંદ્રન અશ્વિને બાંગ્લાદેશ સામે ચિત્તાગોંગમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 113 બોલમાં 58 રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને 300 સુધી પહોંચાડી હતી. તેની ઈનિંગ પર આઈસલેન્ડ ક્રિકેટ દ્વારા એક રસપ્રદ ટ્વીટ કરવામાં આવ્યું છે. આ ટ્વીટમાં અશ્વિનને સર્વકાલીન મહાન ઓલરાઉન્ડર ગણાવ્યો છે. અહીં તેમને શેન વોર્ન અને રિચર્ડ હેડલી જેવા અનુભવીઓ કરતાં વધુ સારા તરીકે વર્ણવવામાં આવ્યા છે.

આઈસલેન્ડ ક્રિકેટે પોતાના એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘જ્યારે લોકો ઓલ ટાઈમ ગ્રેટ ઓલરાઉન્ડરોની યાદી બનાવે છે, ત્યારે આર અશ્વિનનું નામ ભાગ્યે જ તેમાં દેખાય છે. જ્યારે આ ખેલાડીએ હેડલી જેવા દિગ્ગજ ખેલાડીઓની રન એવરેજની બરાબર સરેરાશથી 3000ની નજીક રન બનાવ્યા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી પણ ફટકારી છે. અહીં એ પણ નોંધનીય છે કે તે 450 ટેસ્ટ વિકેટની પણ નજીક છે. અહીં તેની બોલિંગ એવરેજ શેન વોર્ન કરતા સારી રહી છે.

ટેસ્ટ ક્રિકેટમાં આર અશ્વિનની બેટિંગ એવરેજ 27.12 છે. તેની રન એવરેજ ન્યૂઝીલેન્ડના હેડલી (27.2)ની લગભગ બરાબર છે. અશ્વિનની બોલિંગ એવરેજ પણ 24.20 રહી છે, જે ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન (25.40) કરતા સારી રહી છે.

આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 87 મેચમાં 27.17ની એવરેજથી 2989 રન બનાવ્યા છે. તેના નામે 5 સદી અને 13 અડધી સદી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 124 રહ્યો છે. બોલિંગમાં તેણે અત્યાર સુધીમાં 442 વિકેટ ઝડપી છે. તેણે 10 વખત 7 થી વધુ વિકેટ લીધી છે.