ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું હતું. રવિવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં વિરાટ કોહલી માત્ર 11 રન બનાવી શક્યો હતો. ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલીના ટીમ ઈન્ડિયામાં રહેવા પર સવાલો ઉઠી રહ્યા છે. દિગ્ગજ ખેલાડીઓ કહે છે કે, જ્યારે સૌરવ, સેહવાગ, યુવરાજ, ભજ્જી અને ઝહીર જેવા ખેલાડીઓ ડ્રોપ થઈ શકે છે તો વિરાટ કોહલી કેમ નહીં?

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ખેલાડીને પડતો મૂકવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, “એવો સમય આવે છે જ્યારે ફોર્મ તમને સાથ આપતું નથી. મોટા ખેલાડી હોવા છતાં તેમને ડ્રોપ કરવા પડે છે. સૌરવ, સેહવાગ, યુવરાજ, ઝહીર અને ભજ્જીને ફોર્મમાં ન હોવાના કારણે બહાર કરવામાં આવ્યા હતા. તે ઘરેલુ ક્રિકેટમાં રમ્યા અને જોરદાર વાપસી કરી હતી.”

પ્રસાદે આગળ જણાવ્યું કે, “હવે કદાચ રીત બદલાઈ ગઈ છે. હવે આઉટ ઓફ ફોર્મ થવાથી કોઈ ફરક પડતો નથી. આ આગળ વધવાનો રસ્તો નથી. દેશમાં ઘણી પ્રતિભાઓ છે. તમે માત્ર તમારા નામ પર રમી શકતા નથી. અનિલ કુંબલે ભારતનો સૌથી મોટો મેચ વિનર રહ્યો છે. પરંતુ તેને ટીમ માટે બહાર પણ બેસવું પડ્યું હતું.”

તેમ છતાં, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે, મેનેજમેન્ટ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને સપોર્ટ કરશે. રોહિત શર્માનું માનવું છે કે, જે લોકો બહાર વિરાટ કોહલીની ટીકા કરી રહ્યા છે તેઓને ખબર નથી કે, અંદર શું ચાલી રહ્યું છે.