પાકિસ્તાનના પ્રવાસે પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ મેચ દરમિયાન જ મોટો ઝટકો લાગ્યો હતો. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન ઈજાના કારણે આખી સીરીઝમાંથી બહાર થઈ ગઈ છે. તે પ્રથમ મેચમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો અને તે જ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેણે જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે. લિવિંગસ્ટોનની આ પ્રથમ ટેસ્ટ મેચ હતી અને તે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો.

29 વર્ષીય લિવિંગસ્ટોન પોતાની ડેબ્યુ મેચમાં પ્રથમ ઇનિંગમાં 10 બોલમાં માત્ર નવ રન જ બનાવી શક્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાનની પ્રથમ ઇનિંગ દરમિયાન, તે ઇજાગ્રસ્ત થયો અને મેદાનની બહાર રહ્યો હતો. તેણે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં બેટિંગની શરૂઆત કરી હતી, પરંતુ તે માત્ર સાત રન બનાવીને અણનમ રહ્યો હતો. તે આઠમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પાકિસ્તાનની બીજી ઇનિંગમાં પણ બોલિંગ કરી ન હતી અને હવે તે સમગ્ર સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાને આ પ્રવાસમાં કુલ ત્રણ ટેસ્ટ રમવાની છે અને લિવિંગસ્ટોન બાકીની બે ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઈંગ્લેન્ડની પુરૂષ ટીમના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન જમણા ઘૂંટણની ઈજાને કારણે પાકિસ્તાન સામેની બાકીની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. તે મંગળવારે ઈંગ્લેન્ડ પરત ફરશે અને ઇસીબી અને લંકાશાયરની મેડીકલ ટીમોની દેખરેખમાં ફરીથી ફિટનેસ પ્રાપ્ત કરશે.”

લિવિંગસ્ટોનના સ્થાને અત્યાર સુધી કોઈ ખેલાડીને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

સપાટ રાવલપિંડીની પીચ પર પ્રથમ બેટિંગ કરતા, ઇંગ્લેન્ડના ચાર બેટ્સમેનોએ સદી ફટકારી હતી કારણ કે ટીમે પ્રથમ દાવમાં 657 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 579 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ત્રણ બેટ્સમેનોએ પણ સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડે 264 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો અને પાકિસ્તાન સામે 343 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમે પાંચ વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા. આ મેચ હજુ પણ બંને ટીમના પક્ષમાં જઈ શકે છે.

સીરીઝની બીજી ટેસ્ટ 9 ડિસેમ્બરથી મુલતાનમાં રમાશે જ્યારે ત્રીજી અને અંતિમ ટેસ્ટ 17 ડિસેમ્બરથી કરાચીમાં રમાશે.