યુએઈમાં ચાલી રહેલા એશિયા કપમાં શુક્રવારે રાત્રે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ ‘કરો યા મરો’ મેચ હતી. આ મેચમાં બાંગ્લાદેશની ટીમે સમગ્ર સમય શ્રીલંકા પર પ્રભુત્વ જમાવ્યું હતું, પરંતુ છેલ્લા સમયે શ્રીલંકાએ જીત પ્રાપ્ત કરી લીધી હતી. શ્રીલંકાની ઇનિંગ્સની 19 મી ઓવરે મેચની સમગ્ર પરિસ્થિતિ અને દિશા બદલી નાખી હતી. શ્રીલંકા હવે આ મેચ જીતીને સુપર-4માં પહોંચી ગયું છે, જ્યારે બાંગ્લા ટીમ એશિયા કપમાંથી બહાર થઈ ગયું છે.

આ મેચમાં બાંગ્લાદેશે જોરદાર બેટિંગ કરી હતી. નિયમિત અંતરે વિકેટો પડવા છતા બંગાળી બેટ્સમેનોએ રન રેટ ધીમો પડવા દીધો ન હતો. પરિણામ એ આવ્યું કે, બાંગ્લાદેશે 183 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ પણ પ્રથમ વિકેટ માટે 45 રન જોડ્યા હતા, પરંતુ તે પછી લંકાના બેટ્સમેનો ઝડપથી પેવેલિયન પરત ફરવા લાગ્યા હતા. શ્રીલંકાને છેલ્લી 4 ઓવરમાં જીતવા માટે 43 રનની જરૂર હતી અને તેની 6 વિકેટ પડી ગઈ હતી. એકંદરે અહીંથી બાંગ્લાદેશની જીત આસાન લાગી રહી હતી.

આગામી બે ઓવરમાં (17 મી અને 18 મી ઓવર) શ્રીલંકાના પાછળના બેટ્સમેનોએ 18 રન બનાવ્યા હતા પરંતુ વધુ એક વિકેટ ગુમાવી હતી. હવે શ્રીલંકાને જીતવા માટે 12 બોલમાં 25 રનની જરૂરીયાત હતી અને માત્ર 3 વિકેટ હાથમાં હતી. મેદાન પર બંગાળી ખેલાડીઓ અને સ્ટેડિયમમાં બંગાળી ક્રિકેટ ચાહકોના ચહેરા પર સ્મિત સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પરંતુ 19 મી ઓવરમાં વસ્તુઓ અચાનક બદલાઈ ગઈ હતી. 19 મી ઓવરમાં, લંકાના બેટ્સમેનોએ 17 રન બનાવ્યા (2, 2, 5nb, 2, 1lb, W, 1w, 4). બાંગ્લાદેશના ફાસ્ટ બોલર ઇબાદત હુસૈનની પણ અહીં ભૂલ હતી. તેણે બિનજરૂરી રીતે નો-બોલ અને વાઈડ્સમાં રન આપ્યા હતા. આ ઓવર પછી શ્રીલંકાને છેલ્લા 6 બોલમાં માત્ર 8 રનની જરૂર હતી, જે તેના બેટ્સમેનોએ 3 બોલમાં પૂર્ણ કર્યા અને પોતાની ટીમને મેચ જીતાડી દીધી હતી.

અફઘાનિસ્તાનની ટીમ પહેલા જ ગ્રુપ-બીમાંથી સુપર-4 માં પહોંચી ગઈ હતી. હવે શ્રીલંકાએ પણ તેમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે બાંગ્લાદેશની યાત્રા અહીં પૂરી થઈ ગઈ છે. બીજી તરફ ટીમ ઈન્ડિયા ગ્રુપ-A માંથી સુપર-4 માં પહોંચી ગઈ છે. આજે હોંગકોંગ અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ સુપર-4 ની ચોથી ટીમનો પણ નિર્ણય થશે.