ડબલિનમાં રમાયેલી T20 સીરીઝની બીજી મેચમાં ભારતે આયર્લેન્ડને 4 રનથી હરાવી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે સીરીઝ 0-2 થી પોતાના નામે કરી લીધી છે. આ અગાઉ ટીમે આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે બીજી T20 માં આયર્લેન્ડને 226 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આયર્લેન્ડની ટીમ 221 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી દીપક હુડ્ડાએ સદી ફટકારી હતી. જ્યારે ઉમરાન મલિક અને ભુવનેશ્વર કુમારે એક-એક વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા આયર્લેન્ડ તરફથી પોલ સ્ટર્લિંગ અને એન્ડ્ર્યુ બલબિર્ની ઓપનિંગ કરવા આવ્યા હતા. બંનેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. સ્ટર્લિંગે 18 બોલમાં 5 ચોગ્ગા અને 3 સિક્સરની મદદથી 40 રન બનાવ્યા હતા. જ્યારે બલબિર્નીએ 37 બોલમાં 60 રન બનાવ્યા હતા. તેણે 7 સિક્સર અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ડેલાની ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. વિકેટકીપર બેટ્સમેન ટકર 5 રન બનાવીને આઉટ થયો હતો.

હેરી ટેક્ટરે 39 રનની સારી ઇનિંગ રમી હતી. તેણે 28 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. અંતે, ડોકરેલે શાનદાર બેટિંગ કરી. જો કે તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. તેણે 16 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. જ્યારે અડાયરે 12 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયા માટે ભુવનેશ્વર કુમાર ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 46 રન આપીને એક વિકેટ લીધી હતી. આ સાથે જ રવિ બિશ્નોઈ પણ રન રોકવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 41 રન આપીને એક વિકેટ લીધી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 2 ઓવરમાં 18 રન આપ્યા હતા. હર્ષલ પટેલ સૌથી મોંઘો સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 54 રન આપીને એક વિકેટ લીધી હતી. ઉમરાન મલિકે 4 ઓવરમાં 42 રન આપીને એક વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા હતા. આ દરમિયાન દીપક હુડ્ડાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સદી ફટકારી હતી. દીપકે 57 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 104 રન બનાવ્યા. જ્યારે સંજુ સેમસને 77 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે 42 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવ 5 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા 9 બોલમાં 15 રન બનાવીને અણનમ રહ્યો હતો.