કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ટીમે બુધવારે રમાયેલી મેચમાં બાર્બાડોસને 100 રનથી હરાવી દીધું હતું. ટીમ ઈન્ડિયા માટે જેમિમાહ રોડ્રિગ્ઝે અણનમ અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં રેણુકા સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 10 રન આપીને 4 વિકેટ લીધી હતી. મેઘના સિંહ, સ્નેહ રાણા અને રાધા યાદવે પણ એક-એક વિકેટ લીધી હતી. આ જીત સાથે ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે.

ભારતના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાર્બાડોસની ટીમ માટે નાઈટે 16 રન બનાવ્યા હતા. તેણે 20 બોલનો સામનો કરીને એક બાઉન્ડ્રી ફટકારી હતી. કેપ્ટન મેથ્યુસ માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 7 બોલનો સામનો કરતી વખતે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રિશના હોલ્ડર 6 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ રીતે બાર્બાડોસની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 62 રન જ બનાવી શકી અને 100 રનથી મેચ હારી ગઈ હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. આ દરમિયાન જેમિમાહ રોડ્રિગ્સે શાનદાર પ્રદર્શન કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 46 બોલમાં 6 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 56 રન બનાવ્યા હતા. ઓપનર શેફાલી વર્માએ 26 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે. સ્મૃતિ મંધાના 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હરમનપ્રીત કૌર શૂન્ય પર આઉટ થઈ હતી.

દીપ્તિ શર્માએ 28 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે. તાનિયા ભાટિયા 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.