ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ હોકી ટેસ્ટ મેચોની સીરીઝ રમાઈ રહી છે. સીરીઝની ત્રીજી મેચમાં ભારતીય હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને રોમાંચક રીતે હરાવ્યું હતું. આ મેચમાં ભારતનો 4-3 થી વિજય થયો હતો. આ પહેલા તેને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સીરીઝ જીતવાની આશા જીવંત રાખી છે. ભારત તરફથી મનપ્રીત સિંહ, અભિષેક, આકાશદીપ સિંહ અને શમશેર સિંહે એક-એક ગોલ કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી વેલ્ચ જેક, જાલેવસ્કી એરોન અને નાથને એક-એક ગોલ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી. ભારતે પ્રથમ ગોલ 12 મી મિનિટે કર્યો હતો. ટીમ ઈન્ડિયાના મનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કર્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને ટીમ 25મી મિનિટે ગોલ કરવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જેક વેલ્ચે ગોલ કર્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ 32 મી મિનિટે ફરી ગોલ કરીને 2-1 ની સરસાઈ મેળવી લીધી હતી. તે ભારત માટે પડકારજનક રહ્યો હતો. તેના પછી સ્પર્ધા રોમાંચક બની હતી. ભારત તરફથી અભિષેકે 47 મી મિનિટે ગોલ કર્યો હતો. આ રીતે બંને ટીમો 2-2 ની બરાબરી પર પહોંચી ગઈ હતી.

ટીમ ઈન્ડિયા માટે બંને હાફ સારા રહ્યા હતા. ભારત માટે શમશેરે 57 મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા 3-2ની લીડ મેળવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ રમતમાં વાપસી કરી અને બીજો ગોલ કર્યો હતો. નાથને 59 મી મિનિટે ટીમ માટે ગોલ કર્યો હતો અને બંને ટીમો 3-3 ની બરાબરી પર પહોંચી ગઈ હતી. તેની માત્ર એક મિનિટ બાદ આકાશદીપ સિંહે ભારત માટે ગોલ કર્યો હતો. ભારતને 60 મી મિનિટે ગોલ મળ્યો અને તેને અંત સુધી જાળવી રાખ્યો. આ રીતે ભારતે 4-3થી જીત મેળવી લીધી હતી.

 

ભારતને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ટીમે ઓસ્ટ્રેલિયાને જોરદાર ટક્કર આપી હતી. ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની પ્રથમ મેચમાં 5-4 થી જીત મેળવી હતી. આ પછી તેણે બીજી મેચમાં 7-4થી જીત મેળવી હતી. હવે ભારતે શ્રેણીમાં વાપસી કરી અને મેચ 4-3થી જીતી લીધી. હવે શ્રેણીની ચોથી મેચ 3 ડિસેમ્બરે અને પાંચમી મેચ 4 ડિસેમ્બરે રમાશે.