ઓસ્ટ્રેલિયન ટીમ આવતા વર્ષે ચાર ટેસ્ટ અને ત્રણ વનડેની સીરીઝ રમવા માટે ભારતનો પ્રવાસ કરશે. બંને દેશોની આ સીરીઝ ફેબ્રુઆરી-માર્ચ 2023 માં યોજાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ-ઓડીઆઈ શ્રેણી માટે સ્થળની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતની ધરતી પર ટેસ્ટ સીરીઝ જીત્યાને ઘણો સમય થઈ ગયો છે. કાંગારૂ ટીમે ભારતીય ધરતી પર 18 વર્ષ પહેલા 2004 માં છેલ્લી વખત ટેસ્ટ શ્રેણી જીતી હતી. ત્યારબાદ મુલાકાતી ટીમે ભારતને ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું. ત્યારથી ઓસ્ટ્રેલિયા ભારતીય ધરતી પર પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાની રાહ જોઈ રહ્યું છે.

ઓસ્ટ્રેલીયન ટીમ ભારતના પ્રવાસ પર ટેસ્ટ સીરીઝની શરૂઆત કરશે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ 9-13 ફેબ્રુઆરી દરમિયાન નાગપુરમાં રમાશે. આ દરમિયાન બીજી ટેસ્ટ 17-21 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીમાં, ત્રીજી ટેસ્ટ 1-5 માર્ચ દરમિયાન ધર્મશાલામાં અને ચોથી ટેસ્ટ 9-13 માર્ચ વચ્ચે અમદાવાદમાં રમાશે. ટેસ્ટ સીરીઝની સમાપ્તિ પછી, બંને દેશો વચ્ચે ત્રણ વન-ડે મેચોની સીરીઝ રમાશે. વનડે સીરીઝની પ્રથમ મેચ 17 માર્ચે મુંબઈમાં, બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી મેચ 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે.

હાલમાં, ઓસ્ટ્રેલિયા બીજા ચક્ર 2021-23 ની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલ પોઈન્ટ્સમાં ટોચ પર છે. જો કાંગારૂ ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ જીતી લે છે તો તેનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું નિશ્ચિત છે. આ સાથે જ ભારતે ફાઇનલમાં જગ્યા બનાવવા માટે બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી જીતવી પડશે. ભારતને સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન સામે આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં, ભારત 52.08 પોઈન્ટ સાથે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલ પોઈન્ટમાં ચોથા નંબર પર છે.