મહિલા T20 એશિયા કપ 2022 ની 15મી મેચમાં ભારતે બાંગ્લાદેશને 59 રનથી હરાવી દીધું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 100 રન જ બનાવી શકી હતી. ભારત માટે શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્ઝે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે દીપ્તિ શર્મા, રેણુકા સિંહ અને સ્નેહ રાણાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 100 રન જ બનાવી શકી હતી. ફરગાના અને મુર્શીદા ખાતૂન ટીમ માટે ઓપનિંગ કરવા આવી હતી. ફરગાના 40 બોલનો સામનો કરીને 30 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. મુર્શીદાએ 25 બોલમાં 21 રન બનાવ્યા હતા. કેપ્ટન નિગાર સુલ્તાનાએ 29 બોલમાં 36 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 5 ચોગ્ગા સામેલ હતા. આ સિવાય કોઈ ડબલ ફિગરને પાર કરી શક્યું નથી.

આ પહેલા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. ભારત તરફથી શેફાલીએ 55 રન બનાવ્યા હતા. શેફાલીની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સરનો સમાવેશ થાય છે. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 38 બોલમાં 47 રન બનાવ્યા હતા. સ્મૃતિએ 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જેમિમા રોડ્રિગ્ઝ 35 રને અણનમ રહી હતી. તેણે 24 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. દીપ્તિ શર્મા 10 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

ટીમ ઈન્ડિયા માટે બોલિંગમાં દીપ્તિ શર્મા અને શેફાલી વર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. દીપ્તિએ 4 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. શેફાલીએ 4 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી હતી. રેણુકા સિંહે 3 ઓવરમાં 22 રન આપ્યા અને એક વિકેટ લીધી. સ્નેહ રાણાએ 3 ઓવરમાં 17 રન આપીને એક વિકેટ લીધી હતી.