સાઉથમ્પટનના ધ રોઝ બાઉલ ખાતે રમાયેલી પ્રથમ T20માં ભારતે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સીરીઝમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે.

ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીતનો હીરો હાર્દિક પંડ્યા રહ્યો હતો. તેણે બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલા હાર્દિકે માત્ર 33 બોલમાં 51 રનની તોફાની ઈનિંગ રમી અને પછી 33 રનમાં ચાર મહત્વની વિકેટ ઝડપી હતી. બોલિંગમાં T20 ઈન્ટરનેશનલમાં હાર્દિકનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. હાર્દિકના આ શાનદાર પ્રદર્શનને કારણે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ મળ્યો હતો.

199 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ જ ઓવરમાં કેપ્ટન જોસ બટલર ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ ડેવિડ મલાન પણ 21 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. લિયામ લિવિંગસ્ટોન પણ 29 રનના કુલ સ્કોર પર શૂન્ય પર આઉટ થયો હતો અને ત્યારબાદ જેસન રોય 16 બોલમાં માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

ઈંગ્લેન્ડની ટીમ 7 મી ઓવરમાં 33 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી રહી હતી. જો કે આ પછી મોઈન અલી અને હેરી બ્રુકે શાનદાર બેટિંગ કરીને ટીમને વાપસી અપાવી હતી. અલીએ 20 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 40 રન બનાવ્યા હતા. જ્યારે બ્રુકે 23 બોલમાં 2 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 28 રનની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 61 રનની ભાગીદારી થઈ હતી.

આ બંનેના આઉટ થતા જ ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત થઈ ગઈ હતી. જોકે, અંતે ક્રિસ જોર્ડને 18 બોલમાં 29 રનની ઇનિંગ રમીને હારનું માર્જિન ઘટાડી દીધું હતું. તેના બેટમાંથી બે ચોગ્ગા અને એક સિક્સર નીકળી હતી.

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. હાર્દિકે તેની ચાર ઓવરમાં માત્ર 33 રન આપીને ચાર વિકેટ લીધી હતી. બોલિંગમાં T20 ઈન્ટરનેશનલમાં હાર્દિકનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા બેટિંગમાં હાર્દિકે અણનમ 51 રન બનાવ્યા હતા. ડેબ્યુમેન અર્શદીપ સિંહે બે વિકેટ લીધી હતી.