ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં થાઈલેન્ડની ટીમ 74 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે દીપ્તિ શર્માએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 વિકેટ ઝડપી હતી. દીપ્તિએ 4 ઓવરમાં માત્ર 7 રન આપ્યા અને એક મેડન ઓવર પણ ફેંકી હતી.

ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમ તરફથી નટ્ટાયાએ સૌથી વધુ 21 રન બનાવ્યા હતા. તેણે 29 બોલનો સામનો કરતી વખતે ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે કેપ્ટન નરુમોલ ચાઈવાઈએ 41 બોલમાં 21 રન બનાવ્યા હતા. આ બંને સિવાય કોઈ ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યું નહોતું.

ભારત તરફથી દીપ્તિએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 7 રન આપીને 3 વિકેટ લીધી અને એક મેડન ઓવર પણ ફેંકી હતી. રાજેશ્વરી ગાયકવાડે 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 2 વિકેટ લીધી હતી. રેણુકા સિંહે 2 ઓવરમાં 6 રન આપીને સફળતા મેળવી હતી. સ્નેહ રાણાએ 4 ઓવરમાં 16 રન આપીને એક વિકેટ લીધી હતી. શેફાલીએ 2 ઓવરમાં 9 રન આપીને એક વિકેટ લીધી હતી. રાધા યાદવને એક પણ વિકેટ મળી ન હતી.

આ અગાઉ શેફાલીએ ભારત માટે સારી બેટિંગ કરી હતી. તેણે 28 બોલમાં 42 રન આપ્યા હતા. શેફાલીએ આ દરમિયાન 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે 30 બોલમાં 36 રન આપ્યા હતા. આ ઇનિંગમાં તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. જેમિમા રોડ્રિગ્ઝે 26 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. પૂજા વસ્ત્રાકરે 13 બોલમાં 17 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 13 રન બનાવ્યા હતા.

મહિલા T20 એશિયા કપ 2022 ની બીજી સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ ગુરુવારે બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં ભારત સામે ટકરાશે. ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે.