India Capitals એ Legends League Cricket ની ફાઈનલ મેચમાં ભીલવાડા કિંગ્સને 104 રનથી હરાવીને ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું. પ્રથમ બેટિંગ કરતા ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની કેપિટલ્સે 211/7 નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મોટા ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સને શરૂઆતમાં આંચકો લાગ્યો અને ફરીથી તેઓ તેમાંથી બહાર નીકળી શક્યા નહીં. કિંગ્સની સમગ્ર ટીમ 107 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા કેપિટલ્સ ની શરૂઆત સારી રહી ન હતી અને તેણે 21 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ત્યાર બાદ રોસ ટેલર અને મિચેલ જોન્સને ઇનિંગ સંભાળી લીધી હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 126 રનની ભાગીદારી થઈ હતી. જોન્સને 35 બોલમાં 62 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. ટેલરે પણ જોરદાર બેટિંગ કરી અને 41 બોલમાં 82 રન બનાવ્યા હતા. ટેલરે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને આઠ સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ અંતમાં, એશ્લે નર્સે 19 બોલમાં અણનમ 42 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને કેપિટલ્સને 200 ની પાર પહોંચાડી દીધું હતું.

સ્કોરનો પીછો કરતા કિંગ્સને પ્રથમ ફટકો આઠ રન ના સ્કોર પર લાગ્યો હતો. ત્યાર બાદ 44 રનના સ્કોર પર તેની ત્રણ વિકેટ પડી ગઈ હતી. જેસલ કારિયા (22) અને શેન વોટસને (27) ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતત વધતા રન રેટના દબાણમાં તેઓ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. આ બંનેના આઉટ થયા પછી, કિંગ્સે નિયમિત અંતરાલ પર વિકેટ ગુમાવી અને સમગ્ર ટીમ 107 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપિટલ માટે પવન સુયલ, પ્રવીણ તાંબે અને પંકજ સિંહે બે-બે વિકેટ લીધી હતી.