T-20 વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયા પહોંચેલી ટીમ ઈન્ડિયાએ પોતાના પ્રવાસની શરૂઆત જીત સાથે કરી છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટની મુખ્ય મેચો પહેલા વોર્મ અપ મેચ રમી રહી છે. ઓસ્ટ્રેલિયામાં પણ તેના અગાઉના પ્રદર્શનને ચાલુ રાખતા, ટીમે સોમવારે એક પ્રેક્ટિસ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા XI  ને 13 રનથી હરાવી દીધું હતું. પર્થના વાકા ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય બોલરોની શ્રેષ્ઠ બોલિંગ સામે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ઈલેવન 20 ઓવરમાં 8 વિકેટે 145 રન જ બનાવી શકી હતી.

ભારત તરફથી મળેલા 159 રનના ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ઈલેવન એક સમયે 6 ઓવરમાં 29 રનમાં 4 વિકેટ ગુમાવી ચૂકી હતી. જેમાં ભુવી-અર્શદીપે બે-બે વિકેટ ઝડપી હતી. આ પછી પણ ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરતા કાંગારૂઓને લક્ષ્ય સુધી પહોંચવા દીધા ન હતા. અર્શદીપે 3 ઓવરમાં માત્ર છ રન જ ખર્ચ્યા અને ત્રણ સફળતા મળી. તેના સિવાય યુઝવેન્દ્ર ચહલે બે અને ભુવનેશ્વર કુમારે બે વિકેટ ઝડપી હતી.

સૂર્યકુમાર યાદવે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા XI સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક સાથે ટૂંકી, પરંતુ તોફાની ભાગીદારી બનાવી હતી. ભારતે 20 ઓવર રમીને 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. ભારત માટે એકમાત્ર અડધી સદી ચોથા નંબર પર ઉતરેલા સૂર્યકુમાર યાદવના બેટમાંથી નીકળી હતી. સૂર્યકુમારે 35 બોલમાં 3 ચોગ્ગા અને 3 સિક્સરની મદદથી 52 રન બનાવ્યા હતા જ્યારે હાર્દિક પંડ્યાએ 20 બોલમાં 29 રન બનાવ્યા હતા.