ભારતે બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને બે વિકેટથી હરાવ્યું અને તેની સાથે સીરીઝ જીતી લીધી છે. ભારતીય ટીમે ત્રણ મેચની સીરીઝમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સાથે જ આ જીત બાદ ટીમ ઈન્ડિયાએ એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ભારત એક ટીમ સામે સતત સૌથી વધુ વનડે સીરીઝ જીતનારી ટીમ બની ગઈ છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વનડે મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી અને આ મેચ પણ ઘણી રોમાંચક સાબિત થઈ હતી. પહેલા રમતા વેસ્ટ ઈન્ડિઝે શાઈ હોપની શાનદાર સદીની મદદથી 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને રોમાંચક જીત પ્રાપ્ત કરી હતી. અક્ષર પટેલને 64 રનની ધમાકેદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

જ્યારે આ જીત બાદ ભારતના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે. ભારત એક ટીમ સામે સૌથી વધુ દ્વિપક્ષીય વનડે સીરીઝ જીતનારી ટીમ બની ગઈ છે. ટીમે સતત 12 મી વખત વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સીરીઝ જીતી છે. 2007 થી 2022 સુધી ભારતીય ટીમે આ વનડે સીરીઝ પોતાના નામે કરી છે.

આ મામલામાં પાકિસ્તાન બીજા નંબર પર છે જેણે 1996 થી 2021 સુધી પાકિસ્તાન સામે સતત 11 વનડે સીરીઝ જીતી છે. આ સાથે જ ભારતીય ટીમ નંબર વન પર આવી ગઈ છે.

તમને જણાવી દઈએ કે, બ્રાયન લારાના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી વખત ભારત સામે વનડે સીરીઝ જીતી હતી. ત્યારથી, ટીમ ભારતીય ટીમ સામે એક પણ વનડે સીરીઝ જીતી શકી નથી.