ACC T20 ચેમ્પિયનશિપ એટલે કે મહિલા એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં 1 થી 15 ઓક્ટોબર દરમિયાન રમાનારી આ ચેમ્પિયનશિપ માટે એ જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી છે, જે ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદ કરવામાં આવી હતી. એટલે કે ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તાનિયા ભાટિયા અને સિમરન બહાદુરને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી 17 સભ્યોની ભારતીય ટીમના પણ ભાગ હતા પરંતુ તેમને પ્લેઈંગ-11 માં તક મળી ન હતી.

છ વખતની ચેમ્પિયન ભારતીય ટીમ આ વખતે હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે શ્રીલંકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારતીય ટીમનો મુકાબલો 7 ઓક્ટોબરના રમાશે.

ટૂર્નામેન્ટમાં સાત ટીમો ભાગ લઈ રહી છે જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને યજમાન બાંગ્લાદેશ ઉપરાંત થાઈલેન્ડ, મલેશિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. આ ટીમો રાઉન્ડ રોબિન ફોર્મેટમાં સ્પર્ધા કરશે. ત્યારબાદ ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમીફાઇનલ મેચો 13 ઓક્ટોબરે રમાશે. ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, સબ્બીનેની મેઘના, રિચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, ડાયલન હેમલતા, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, કે.પી. નવગીરે.