મહિલા એશિયા કપમાં આજે (10 ઓક્ટોબર) રમાયેલી મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે થાઇલેન્ડ સામે શાનદાર વિજય મેળવ્યો હતો. પ્રથમ બોલિંગ કરતા ભારતીય ટીમે થાઈલેન્ડની સમગ્ર ટીમને માત્ર 37 રનમાં આઉટ કરી દીધી હતી. આ પછી ભારતીય બેટ્સમેનોએ માત્ર 6 ઓવરમાં જ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે સેમીફાઈનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

આ મેચમાં સ્મૃતિ મંધાના ભારતીય ટીમની કમાન સંભાળી રહી હતી. તેણે ટોસ જીતીને થાઈલેન્ડને પ્રથમ બેટિંગ માટે બોલાવી હતી. ભારતીય બોલરોએ તેમના કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો અને તે શરૂઆતથી જ થાઈલેન્ડના બેટ્સમેનોને પેવેલિયન મોકલતી રહી. થાઈલેન્ડના 9 બેટ્સમેન બે આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા. એકમાત્ર નાનાપટ કોંચરોંકાઈએ સૌથી વધુ 12 રન બનાવ્યા હતા. સમગ્ર ટીમ 15.1 ઓવરમાં 37 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી સ્નેહ રાણાએ 9 રનમાં 3 વિકેટ લીધી હતી. દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 અને મેઘના સિંહને એક વિકેટ મળી હતી. 38 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. શેફાલી વર્મા (8), એસ મેઘના (20) અને પૂજા વસ્ત્રાકર (12)ની વિકેટ ગુમાવ્યા બાદ ભારતને 9 વિકેટે આસાન જીત અપાવી હતી. સ્નેહ રાણાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.

આ જીત સાથે ભારતીય ટીમે સેમી ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ, લીગ તબક્કામાં તેની તમામ 6 મેચ રમી, પાંચમાં જીત મેળવી અને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી અને સેમીફાઈનલમાં જગ્યા બનાવી. ભારતનો એકમાત્ર પરાજય પાકિસ્તાનથી થયો હતો. પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો પણ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. બંને ટીમોના 8-8 પોઈન્ટ છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ચોથી ટીમ માટે થાઈલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે જંગ છે.