ભારતની શરમજનક હારથી કરોડો ચાહકોના દિલ તૂટી ગયા, વિરાટ કોહલીના સપના ચકનાચૂર થયા

T20 વર્લ્ડ કપ 2022 ની બીજી સેમિફાઈનલ મેચમાં ભારતને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે તેને 10 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે તેનો મુકાબલો 13 નવેમ્બરે પાકિસ્તાન સામે થશે. ટીમ ઈન્ડિયાની હારથી કરોડો ચાહકોના દિલ તૂટી ગયા છે. તેનાથી વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ઘણા ખેલાડીઓના સપના બરબાદ થઈ ગયા છે. ભારતીય ટીમ 2007 બાદ હજુ સુધી T20 વર્લ્ડ કપનું ટાઈટલ જીતી શકી નથી.
બીજી સેમીફાઈનલમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે 20 ઓવરમાં 168 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતની ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. લોકેશ રાહુલ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન રોહિત 28 બોલમાં 27 રન જ બનાવી શક્યો હતો. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ જવાબદારી સારી રીતે નિભાવતા અડધી સદી ફટકારી હતી. કોહલીએ 40 બોલમાં 50 રન બનાવ્યા હતા. જ્યારે હાર્દિકે 33 બોલમાં 63 રન બનાવ્યા હતા. તેણે 5 સિક્સર અને 4 ફોર ફટકારી હતી. આ સિવાય કોઈ બેટ્સમેન સફળ રહ્યો ન હતો.
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ માટે જોસ બટલર અને એલેક્સ હેલ્સે રનનો વરસાદ કર્યો હતો. બટલરે 49 બોલમાં અણનમ 80 રન બનાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે હેલ્સે 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. તેણે 7 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતીય કેમ્પનો કોઈ બોલર તેની સામે ટકી શક્યો નહોતો.