આઈપીએલ 2023 માટે 23 ડિસેમ્બરે મીની હરાજી થવા જઈ રહી છે. આ હરાજી કોચીમાં થશે. બીજી તરફ જેમ જેમ હરાજીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેને લગતા મોટા અપડેટ્સ સામે આવી રહ્યા છે. વાસ્તવમાં સમાચાર આવી રહ્યા છે કે, ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન જો રૂટ IPL માં રમવા માંગે છે. જો રૂટ પણ આઈપીએલમાં સામેલ થવા માટે પોતાનું નામ હરાજીમાં મૂકવાની યોજના બનાવી રહ્યો છે.

ઈંગ્લેન્ડ ટીમના અનુભવી બેટ્સમેન જો રૂટે ડેઈલી મેલ સાથે વાત કરતા આઈપીએલ 2023માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો રૂટે જણાવ્યું છે કે ‘તે IPLમાં રમવાનું વિચારી રહ્યા છે, તેને આ ટૂર્નામેન્ટમાં એક્સપોઝર મળવાની આશા છે. જો તેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાવાની તક મળે છે, તો તે ઘણું સારું રહેશે. રૂટે એ પણ કહ્યું કે, તે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી20થી અલગ થઈ ગયો છે, તેણે ઘણી ટી20 મેચ રમી નથી.

તેમ છતાં જો રૂટ આઈપીએલ 2023 માટે મિની ઓક્શનમાં પોતાનું નામ આપવા પર વિચાર કરી રહ્યો છે. રૂટની ગણના વર્તમાન વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં થાય છે. આવી સ્થિતિમાં જો રૂટ IPL ઓક્શનમાં પોતાનું નામ આપે છે તો ઘણી ટીમો તેના પર મોટી બોલી લગાવી શકે છે.

આ પહેલીવાર નથી જ્યારે ઈંગ્લેન્ડના પૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રૂટે આઈપીએલ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હોય. આ પહેલા પણ વર્ષ 2018 માં તેણે આઈપીએલની હરાજીમાં પોતાનું નામ આપ્યું હતું. જો કે, તે સમયે કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ જો રૂટમાં રસ દાખવ્યો ન હતો અને તે હરાજીમાં રૂટ વેચાયા વગરનો રહ્યો હતો. જો કે હવે ફરી એકવાર રૂટ હરાજીમાં પોતાનું નામ આપવાનું વિચારી રહ્યો છે. રૂટ પણ અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આ વખતે ઘણી ફ્રેન્ચાઈઝી તેના પર બોલી લગાવી શકે છે.