ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન માટે પંજાબ કિંગ્સની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સે IPL ની આગામી સિઝન માટે ટ્રેવર બેલિસને ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. પંજાબ કિંગ્સે ગયા મહિને જ સ્પષ્ટ કરી દીધું હતું કે, અનિલ કુંબલેની ટીમ સાથેની સફર પૂરી થઈ ગઈ છે.

ટ્રેવર બેલિસ પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોચિંગનો ઘણો અનુભવ છે. ટ્રેવર બેલિસના કોચિંગ હેઠળ ઈંગ્લેન્ડે 2019 નો ODI વર્લ્ડ કપ જીત્યો હતો. એટલું જ નહીં ટ્રેવર બેલિસ ભૂતકાળમાં આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે પણ સંકળાયેલા છે. KKR એ ટ્રેવર બેલિસના કોચ હેઠળ 2012 અને 2014માં ટાઇટલ જીત્યું હતું.

અનિલ કુંબલેનો કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થયા પછી જ પંજાબ કિંગ્સે ટ્રેવર બેલિસને કોચ બનાવવાનો સંકેત આપ્યો હતો. ટીમના માલિકો વતી કહેવામાં આવ્યું હતું કે, ટ્રેવર પાસે કોચિંગનો ઘણો અનુભવ છે અને તે ટીમ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

બીજી તરફ અનિલ કુંબલેની વાત કરીએ તો તેમને 2020 માં ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. કુંબલેના કોચ તરીકે, પંજાબ કિંગ્સે 42 મેચ રમી જેમાંથી તેણે માત્ર 19 મેચ જીતી અને 23 મેચ હારી છે. ગયા વર્ષે પંજાબ કિંગ્સે લોકેશ રાહુલની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ ટીમનો આ દાવ પણ નિષ્ફળ ગયો હતો.

તેમ છતાં પંજાબ કિંગ્સના કોચિંગની જવાબદારી સંભાળવાનો પડકાર ટ્રેવર બેલિસ માટે સરળ રહેવાનો નથી. પંજાબ કિંગ્સની ટીમ એક વખત પણ વિજેતા બની શકી નથી. પંજાબ કિંગ્સની ટીમનું પ્રદર્શન છેલ્લા ત્રણ વર્ષમાં વધુ ખરાબ રહ્યું હતું અને તે એક વખત પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. નિષ્ફળતાઓને કારણે જ પંજાબ કિંગ્સની ઓળખ એક એવી ટીમની બની ગઈ છે જેમાં ઘણો બદલાવ આવ્યો છે.