નેપાળના ક્રિકેટર સંદીપ લામિછાનેની પોલીસે ગુરુવારે કાઠમંડુ એરપોર્ટ પર ધરપકડ કરી લેવામાં આવી હતી. સંદીપ પર એક સગીર પર દુષ્કર્મનો આરોપ છે. સંદીપે આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી હતી. તેમાં સંદીપે તાજેતરમાં ફેસબુક પર લખ્યું હતું કે તે નિર્દોષ છે અને પોલીસને કોઈપણ પ્રકારની તપાસમાં સહકાર આપશે. આ પ્રક્રિયા દરમિયાન તેણે પોતાના વકીલને પોતાની સાથે રાખવાની પરવાનગી પણ માંગી હતી.

ન્યૂઝ એજન્સી ANI મુજબ, નેપાળી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને, જે એક સગીર પર દુષ્કર્મનો આરોપ છે, તેને કાઠમંડુથી સવારે 10 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) ધરપકડ કરવામાં આવી હતી. સંદીપે આ અંગે ફેસબુક પર પોતાનો પક્ષ રાખ્યો હતો. તેણે લખ્યું કે, “હું તપાસના તમામ તબક્કામાં સંપૂર્ણ સહયોગ કરીશ અને મારી નિર્દોષતા સાબિત કરવા માટે કાયદાકીય લડાઈ લડીશ.”

બીબીસીના એક સમાચાર અનુસાર, નેપાળ પોલીસ રવિવારે સંદીપને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. ગુરુવાર અને શુક્રવારે દશેરાની રજાઓ છે. ત્યાર બાદ શનિવારે જાહેર રજા છે. આથી લામિછાનેને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 23 ઓગસ્ટે સંદીપ વિરુદ્ધ તપાસ માટે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી તે દેશની બહાર હતો. આ કારણોસર ધરપકડ થઈ શકી નથી.

નોંધનીય છે કે નેપાળનો પૂર્વ કેપ્ટન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે. તેણે વર્ષ 2018 માં ડેબ્યૂ મેચ રમી હતી. ત્યાર બાદ તેને 9 IPL મેચ રમવાની તક મળી હતી. આ મેચોમાં સંદીપે 13 વિકેટ ઝડપી હતી. તેનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારો રેકોર્ડ છે. સંદીપે 40 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 78 વિકેટ લીધી છે. જ્યારે 30 વનડેમાં 69 વિકેટ લીધી છે.