છેલ્લા એક વર્ષમાં ઘણા ભારતીય ખેલાડીઓ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની ટીમમાંથી બહાર થઈ ગયા છે. જેમાં રોહિત શર્મા, કેએલ રાહુલથી લઈને સૂર્યકુમાર અને હર્ષલ પટેલ સુધીના ઘણા નામ સામેલ છે. હાલમાં જસપ્રીત બુમરાહ અને દીપક ચહર T20 વર્લ્ડ કપમાંથી બહાર છે. સતત ક્રિકેટ રમવું તેનું મોટું કારણ માનવામાં આવે છે. જો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ખેલાડીઓને આરામ આપવામાં આવે છે, પરંતુ તમામ ખેલાડીઓ IPLમાં સતત રમતા જોવા મળે છે. હવે પૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

મુંબઈ પ્રેસ ક્લબ ખાતે ‘મીટ ધ મીડિયા’ કાર્યક્રમમાં અયાઝ મેમણ સાથે વાતચીત કરતી વખતે રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે, ભારતીય ખેલાડીઓને વારંવાર થતી ઈજાઓને ધ્યાનમાં રાખીને કેટલીક આઈપીએલ મેચોમાં આરામ આપવો જોઈએ. તેઓ બીસીસીઆઈના નવા પ્રમુખ રોજર બિન્નીને આ મામલે સિસ્ટમ બનાવવાની સલાહ આપતા જોવા મળ્યા છે.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ‘આજે જેટલુ ક્રિકેટ રમાય છે તે જોતા એ ખૂબ જ જરૂરી બની ગયું છે કે ખેલાડી કેટલું ક્રિકેટ રમે છે તેની સિસ્ટમ બનાવવી જોઈએ. ખેલાડીઓને ક્યારે આરામ આપવો તે અંગે ચર્ચા થવી જોઈએ. અહીં બીસીસીઆઈ પ્રમુખ મોટી ભૂમિકા ભજવી શકે છે. ભવિષ્યમાં જો કોઈ ખેલાડીને ભારતીય ટીમમાં રમવા માટે આઈપીએલની કેટલીક મેચોમાં આરામ આપવાની જરૂર હોય તો તે થવું જોઈએ. આવી સ્થિતિમાં, બીસીસીઆઈ પ્રમુખે ફ્રેન્ચાઈઝી સાથે બેસીને કહેવું જોઈએ કે આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે વધુ મહત્વપૂર્ણ છે અને તેના પછી ફ્રેન્ચાઈઝીનો નંબર આવે છે.

શાસ્ત્રીએ કહ્યું, ‘પહેલા ટીમ મેનેજમેન્ટમાં ચર્ચા થવી જોઈએ કે IPL માં કયા ખેલાડીઓને આરામ આપવાની જરૂર છે. અને પછી ફ્રેન્ચાઈઝીને સંદેશ મોકલો. અહીં ફ્રેન્ચાઇઝીએ આરામથી સમજાવવાની એક જ વાત છે કે આ ખેલાડી રાષ્ટ્રીય ટીમ માટે જરૂરી છે અને રાષ્ટ્રીય હિત સર્વોપરી છે.