આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં 2022 ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે. આ ટૂર્નામેન્ટ પહેલા સૌથી મોટો સવાલ દિનેશ કાર્તિક છે કે ઋષભ પંત, કોને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળશે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે T20 વર્લ્ડ કપ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી છે.

ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે 2022 T-20 વર્લ્ડ કપ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ઋષભ પંતનો સમાવેશ કર્યો નથી. ઋષભ પંત સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચોની સીરીઝમાં પણ તે માત્ર 58 રન જ બનાવી શક્યા હતા. આ પહેલા ઋષભ પંતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીમાં માત્ર 33 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલ ઋષભ પંત અત્યાર સુધી કમાલ દેખાડી શક્યા નથી.

ઈરફાન પઠાણે ઓસ્ટ્રેલિયામાં રમાનાર T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 37 વર્ષીય દિનેશ કાર્તિકનો સમાવેશ કર્યો છે. કાર્તિક સાઉથ આફ્રિકા શ્રેણીમાંથી ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. વાપસી બાદ કાર્તિકે T20 ઈન્ટરનેશનલમાં તેની પ્રથમ અડધી સદી ફટકારી હતી.

ઈરફાન પઠાણે લોકેશ રાહુલ અને રોહિત શર્માને ઓપનર તરીકે પસંદ કર્યા છે. તેની સાથે જ વિરાટ કોહલી ત્રીજા નંબર પર અને સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર છે. આ સિવાય બોલિંગમાં રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રિત બુમરાહ છે.

તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે, ઈરફાન પઠાણે શ્રેયસ અય્યર, ઋષભ પંત, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વેંકટેશ અય્યર અને ઈશાન કિશન જેવા સ્ટાર ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કર્યા નથી.

2022 T20 વર્લ્ડ કપ માટે ઈરફાન પઠાણની પ્લેઈંગ ઈલેવન : લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રિત બુમરાહ.