ભારતીય ટીમે રવિવારે રાંચીમાં રમાયેલી બીજી ODIમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું. કરો યા મરોની આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હાર્યો હતો. ત્યાર બાદ સાઉથ આફ્રિકાના કેપ્ટને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેની ટીમે 50 ઓવરમાં સાત વિકેટે 278 રન બનાવ્યા હતા. જોકે, ટીમ ઈન્ડિયાએ 46 મી ઓવરમાં આસાનીથી ટાર્ગેટનો પીછો કરી લીધો હતો. ભારતની આ જીતમાં ઈશાન કિશને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઇશાન કિશને માત્ર 84 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 7 સિક્સર નીકળી હતી. ભલે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની પ્રથમ સદી ચૂકી ગયો, પરંતુ આ વિસ્ફોટક ઈનિંગના કારણે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્મા અને સૌરવ ગાંગુલી જેવા અનુભવી બેટ્સમેનોને પણ પાછળ છોડી દીધા છે.

ડાબા હાથના વિસ્ફોટક બેટ્સમેન ઈશાન કિશને રવિવારે રાંચીમાં રમાયેલી બીજી વનડેમાં સાત સિક્સર ફટકારી હતી. આ સાથે, તે દક્ષિણ આફ્રિકા સામે વનડેમાં સૌથી વધુ સિક્સર મારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. આ રેકોર્ડ લિસ્ટમાં આ ડાબા હાથના બેટ્સમેને રોહિત શર્મા અને સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધા છે.

સાઉથ આફ્રિકા સામે વનડેમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન

યુસુફ પઠાણ – 8 સિક્સર – સેન્ચુરિયન, 2011

ઈશાન કિશન – 7 સિક્સર – રાંચી, 2022

સૌરવ ગાંગુલી – 6 સિક્સર – નૈરોબી, 2000

રોહિત શર્મા – 6 સિક્સર – કાનપુર, 2015