જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે સઈદ અજમલનો રેકોર્ડ તોડી શકે છે, જાણો T-20 માં કેટલી વિકેટની જરૂર છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી T20 સીરીઝ રમાશે. આ સીરીઝ માટે ભારતે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમમાં સામેલ કર્યો છે. આ પહેલા બુમરાહ એશિયા કપ 2022 માં રમ્યો ન હતો. ઈજાના કારણે તે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો. પરંતુ હવે તે ફિટ છે અને ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. બુમરાહનો ઓસ્ટ્રેલિયા સામે સારો રેકોર્ડ છે. તે આ સીરીઝમાં પાકિસ્તાનના સઈદ અજમલનો રેકોર્ડ તોડી શકે છે.
ભારત તરફથી ઓસ્ટ્રેલિયા સામે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બુમરાહના નામે છે. તેણે અત્યાર સુધીમાં 15 વિકેટ ઝડપી છે. આ મામલામાં સઈદ અજમલ પ્રથમ સ્થાને છે. તેણે 19 વિકેટ લીધી છે. મોહમ્મદ આમિર 17 વિકેટ સાથે બીજા ક્રમે છે. ઉમર ગુલ અને ઈશ સોઢીએ 16-16 વિકેટ લીધી છે. બુમરાહ આ સિરીઝમાં અજમલનો રેકોર્ડ તોડી શકે છે. આ માટે બુમરાહને 5 વિકેટની જરૂર છે.
બુમરાહની ટી-20 કારકિર્દી પર નજર કરીએ તો તે અસરકારક રહ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 58 મેચોમાં 69 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 11 રન આપીને 3 વિકેટ ઝડપી રહ્યું છે. તેણે IPLની 120 મેચમાં 145 વિકેટ લીધી છે.
નોંધનીય છે કે બુમરાહની સાથે ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, દીપક ચહર અને યુઝવેન્દ્ર ચહલને પણ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરીઝમાં તક મળી છે. મોહમ્મદ શમીનો ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તેને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો છે.