ઈંગ્લેન્ડના વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલરને લીમીટેડ ઓવરના ક્રિકેટમાં સૌથી ખતરનાક ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જોસ બટલરે સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. જોસ બટલરની ગણતરી હાલના સમયે શ્રેષ્ઠ સફેદ બોલ ખેલાડી તરીકે થાય છે. જ્યારે આ દરમિયાન જોસ બટલરે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં જોસ બટલર સૌથી ઓછા બોલ પર 4 હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

શાહિદ આફ્રિદી અને ડેવિડ વોર્નરને પાછળ છોડ્યા

જોસ બટલરે ODI ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 4000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ODI ક્રિકેટમાં 3281 બોલમાં 4 હજાર રનનો આંકડો પાર કર્યો છે. જ્યારે આ યાદીમાં બીજા નંબર પર પૂર્વ પાકિસ્તાની બેટ્સમેન શાહિદ આફ્રિદી છે. શાહિદ આફ્રિદીએ 3930 બોલમાં 4 હજાર રન પૂરા કર્યા હતા. આ સિવાય ભૂતપૂર્વ વિસ્ફોટક ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ પણ આ યાદીમાં સામેલ છે.

ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગ પણ ટોપ-5 માં સામેલ

આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર ત્રીજા નંબરે છે જ્યારે પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ ચોથા નંબરે છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે 4128 બોલમાં 4 હજાર રન પૂરા કર્યા હતા. જ્યારે વીરેન્દ્ર સેહવાગે 4131 બોલમાં આ કારનામું કર્યું હતું. સૌથી ઓછા બોલ પર 4 હજાર રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડી કોક પાંચમા નંબરે છે. તેણે વન ડે ક્રિકેટમાં 4255 બોલમાં 4 હજાર રનનો આંકડો પાર કર્યો હતો.