ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીમાં આજે રમાશે. ગુરુવારે રમાનારી આ મેચમાં કાગિસો રબાડા ખાસ રેકોર્ડ બનાવી શકે છે. કાગિસો રબાડા T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 વિકેટ પૂરી કરી શકે છે. આવું કરનાર તે આફ્રિકન ટીમનો ચોથો બોલર બની શકે છે. આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બાંગ્લાદેશના બોલર શાકિબ અલ હસનના નામે છે.

રબાડા દક્ષિણ આફ્રિકાના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. તેમને નાની ઉંમરમાં ઘણી સિદ્ધિઓ પોતાના નામે કરી છે. હવે તેઓ વધુ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી શકે છે. કાગિસો રબાડા T-20 ઈન્ટરનેશનલમાં 50 કે તેથી વધુ વિકેટ લેનારો દક્ષિણ આફ્રિકાનો ચોથો બોલર બની શકે છે. તેણે અત્યાર સુધી રમાયેલી 40 મેચોમાં 49 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન રબાડાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 20 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે.

દક્ષિણ આફ્રિકા તરફથી T-20 મેચોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ડેલ સ્ટેઈનના નામે છે. તેણે 47 મેચમાં 64 વિકેટ લીધી છે. જ્યારે ઈમરાન તાહિર આ મામલામાં બીજા નંબર પર છે. તેણે 38 મેચમાં 63 વિકેટ લીધી છે. તાહિરે આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મામલામાં તબરેઝ શમ્સી ત્રીજા સ્થાને છે. તેણે 47 મેચમાં 57 વિકેટ લીધી છે. શમ્સીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે.