કેન વિલિયમસન-ટોમ લાથમે ભારત સામે 221 રનની ભાગીદારી નોંધાવી બનાવ્યો આ મોટો રેકોર્ડ

કેન વિલિયમસન અને ટોમ લાથમનો ભારત સામેની પ્રથમ ODI જીતવામાં ન્યુઝીલેન્ડને મદદ કરવામાં મોટો હાથ હતો. બંનેએ શાનદાર બેટિંગ કરતા કિવી ટીમે 17 બોલ બાકી રહેતા 307 રનનો મોટો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. પોતાની ટીમને મેચ જીતાડવાની સાથે વિલિયમસન અને લાથમે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ બંને બેટ્સમેનોના નામ ભારત સામેની ODI મેચમાં કિવી ટીમ માટે કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી બનાવવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે.
88 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ કેન વિલિયમસન અને લાથમે કીવી ટીમની ઇનિંગ્સને સંભાળી હતી અને 221 રનની અણનમ ભાગીદારી કરી હતી. ભારત સામે વનડેમાં કિવી ટીમ તરફથી આ સૌથી મોટી ભાગીદારી બની છે. આ પહેલા આ રેકોર્ડ રોસ ટેલર અને ટોમ લાથમના નામે હતો જેમણે 2017 માં મુંબઈમાં ભારત વિરુદ્ધ 200 રનની ભાગીદારી કરી હતી. આ બે પ્રસંગો સિવાય કીવી ટીમ ભારત સામે વનડેમાં ક્યારેય 200 રનની ભાગીદારી કરી શકી નથી.
ટોમ લાથમે 104 બોલમાં અણનમ 145 રન બનાવ્યા, જે તેની ODI કારકિર્દીની સર્વોચ્ચ ઈનિંગ્સ બની ગઈ છે. આ ઉપરાંત, તે ભારત સામે કિવી બેટ્સમેન દ્વારા રમેલી સૌથી વધુ વ્યક્તિગત ઇનિંગ્સ પણ બની ગઈ છે. લાથમ ત્રીજી વખત કિવી ટીમ માટે 200 કે તેથી વધુ રનની ભાગીદારીમાં સામેલ હતો અને સૌથી વધુ વખત આવું કરનાર કિવી બેટ્સમેન બન્યો હતો.