લોકેશ રાહુલે સાઉથ આફ્રિકા પ્રવાસની શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ દિવસનીની રમત સમાપ્ત થતા ૩ વિકેટે ૨૭૨ રન બનાવી લીધા છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લોકેશ રાહુલે ૧૨૨ રન અને રહાણે ૪૦ રન બનાવી રમી રહ્યા છે. રાહુલની આ ટેસ્ટ કારકિર્દીની ૭ મી સદી છે. તેમાંથી ૬ સદી તો તેમને ઘરની બહાર બનાવી છે. સીરીઝ પહેલા રોહિત શર્મા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. રોહિતની જગ્યાએ લોકેશ રાહુલને ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

 

લોકેશ રાહુલે સદી ફટકારતા જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બની ગયા છે. આ અગાઉ કોઈ પણ ભારતીય ઓપનર આવું કરવામાં સક્ષમ રહ્યા નથી. લોકેશ રાહુલે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ ૨ સદી ફટકારી છે. તેના સિવાય ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકામાં એક-એક સદી ફટકારી છે. તે ૬ દેશમાં સદી ફટકારનાર ત્રીજા ભારતીય ઓપનર છે. આ અગાઉ સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સહેવાગ જ આવું કરી શક્યા છે.

 

લોકેશ રાહુલની આ સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ઓપનર તરીકે ચોથી સદી છે. તેની સાથે તેમને વીરેન્દ્ર સહેવાગ, રવિ શાસ્ત્રી અને વીનું માંકડને પાછળ છોડી દીધા છે. ત્રણે ૩-૩ સદી ફટકારી છે. લોકેશ રાહુલ હવે માત્ર સુનીલ ગાવસ્કરથી પાછળ છે. તેમને આ દેશોમાં સૌથી વધુ ૮ સદી ફટકારી છે. રાહુલ સાઉથ આફ્રિકામાં સદી ફટકારનાર માત્ર બીજા ભારતીય ઓપનર છે. આ અગાઉ વસીમ જાફરે ૨૦૦૭ માં કેપટાઉનમાં સદી ફટકારી હતી.