ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે ટીમમાં મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેપ્ટન રોહિત શર્મા કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, તેથી મયંકને તેના કવર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મયંકનું અત્યાર સુધીનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. આ કારણે ટીમ મેનેજમેન્ટે તેના પર વિશ્વાસ વ્યક્ત કરતા બર્મિંગહામ બોલાવ્યા છે. મયંક બર્મિંગહામ જવા રવાના થઈ ગયો છે અને તે ટૂંક સમયમાં ભારતીય ટીમ સાથે જોડાશે. ભારતીય ટીમ 1 જુલાઈથી બર્મિંગહામમાં ટેસ્ટ મેચ રમશે.

બીસીસીઆઈએ સોમવારે ટ્વીટ કરીને જાણકારી આપી દીધી છે કે, મયંક અગ્રવાલને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેમને રોહિતના કવર તરીકે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ટીમ ઈન્ડિયા 1 જુલાઈથી બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચ રમશે. આ એકમાત્ર ટેસ્ટ મેચ જ રમશે. ત્યાર બાદ વનડે અને ટી-20 સીરીઝ રમાશે.

ઉલ્લેખનીય છે કે, મયંકે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 21 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 36 ઇનિંગ્સમાં 1488 રન બનાવ્યા છે. મયંકે આ ફોર્મેટમાં 4 સદી અને 6 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ મેચોમાં મયંકનો સર્વશ્રેષ્ઠ સ્કોર 243 રન છે. તેણે ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. મયંકે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 5707 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 12 સદી ફટકારી છે.