પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ નવી ક્રિકેટ લીગ લોન્ચ કરી છે. આ લીગને ‘મેગા સ્ટાર્સ લીગ’ નામ આપવામાં આવ્યું છે. આ લીગની પ્રથમ સિઝન આ વર્ષે સપ્ટેમ્બરમાં રમાશે. આ લીગની શરૂઆતના અવસર પર મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે, આ લીગ એવા ખેલાડીઓ માટે હશે જેઓ તેમની ઉંમર વધુ હોવાના કારણે પાકિસ્તાન સુપર લીગ (PSL) રમી શકતા નથી.

શાહિદ આફ્રિદીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, ‘મેગા સ્ટાર લીગ એક મનોરંજન લીગ હશે, જે આ વર્ષે સપ્ટેમ્બરમાં રાવલપિંડીમાં રમાશે. આ લીગનો મુખ્ય હેતુ ભૂતપૂર્વ ક્રિકેટરો, એથ્લેટ્સ અને રમત પત્રકારોને આર્થિક મદદ કરવાનો રહેશે.

‘Mega Stars League’ ના આ લોન્ચિંગ પ્રસંગે પાકિસ્તાનના ઘણા ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ હાજર રહ્યા હતા. જેમાં ઇન્ઝમામ-ઉલ-હક, વકાર યુનુસ, મુશ્તાક અહેમદે શાહિદ આફ્રિદી સાથે સ્ટેજ શેર કર્યું હતું. શાહિદ આફ્રિદીએ આ દરમિયાન જણાવ્યું કે, મેગા સ્ટાર લીગમાં 10-10 ઓવરની મેચો રમાશે. જેમાં 6 ટીમો ભાગ લેશે અને વિદેશી ખેલાડીઓ પણ હાજર રહેશે.

પ્રેસ સાથેની વાતચીત દરમિયાન, જ્યારે આ લીગની PSL સાથે સરખામણી કરવામાં આવી, ત્યારે આફ્રિદીએ કહ્યું કે, PSL યુવા ખેલાડીઓ માટે છે અને MSL માં તેમના જેવા વધુ ઉમરના ખેલાડીઓ રમશે. આફ્રિદીએ કહ્યું કે, ‘પીએસએલ યુવા ખેલાડીઓની લીગ છે અને હવે હું યુવાન નથી. હું, મુશ્તાક અહેમદ, ઇન્ઝમામ-ઉલ-હક અને વકાર યુનિસ મેગા સુપર લીગમાં રમીશું.