ICC ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવી ન શકવાને કારણે વિરાટ કોહલીને કેપ્ટનશિપ ગુમાવવી પડી હતી. તેની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ તે પણ અત્યાર સુધી ભારતીય ટીમને કોઈ મોટી ટ્રોફી અપાવી શક્યો નથી. રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં ફ્લોપ રહી હતી. આવી સ્થિતિમાં રોહિતની કેપ્ટનશિપની કુશળતાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે, ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનું માનવું છે કે, રોહિતની કેપ્ટનશિપ પર ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું છે.

TOI સાથેની વાતચીતમાં કૈફે જણાવ્યું છે કે, ‘રોહિત એક સારો કેપ્ટન છે. અત્યારે તેની કેપ્ટનશીપનું મૂલ્યાંકન કરવું ખૂબ જ વહેલું છે. આપણે આગામી ટુર્નામેન્ટમાં કેપ્ટન તરીકે તેના પ્રદર્શનની રાહ જોવી જોઈએ. તેના પર ઘણું દબાણ હશે કારણ કે તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો જેથી ટીમ ICC ટ્રોફી મેળવી શકે પરંતુ તે તેમ કરી શક્યો નહીં.

કૈફે જણાવ્યું હતું કે, ‘મોટી ટૂર્નામેન્ટ સિવાય રોહિતે એક કેપ્ટન તરીકે સારું કામ કર્યું છે. તે માત્ર એશિયા કપ અને વર્લ્ડ કપમાં જ ફ્લોપ રહ્યો છે. અત્યારે લોકો તેમનાથી ખુશ નથી. વિરાટ સાથે પણ એવું જ હતું. વિરાટે ટીમ ઈન્ડિયાને દેશ-વિદેશમાં ઘણી દ્વિપક્ષીય શ્રેણીમાં જીત અપાવી પરંતુ ICC ટ્રોફી જીતી શક્યો નહીં.

રોહિત શર્માએ અત્યાર સુધી બે ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. આ બંનેમાં ટીમનો વિજય થયો છે. વનડેમાં, તેની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે 18 માંથી 13 મેચ જીતી છે. તે જ સમયે, T20 માં રોહિતની કેપ્ટન્સીમાં, ભારતીય ટીમે 51 માંથી 39 મેચ જીતી છે.