પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને મંગળવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી T20 મેચમાં ખૂબ જ ખાસ સ્થાન હાંસલ કર્યું હતું. મોહમ્મદ રિઝવાને આ મેચ દ્વારા T20 આંતરરાષ્ટ્રીયમાં 2000 રન પૂરા કર્યા હતા. આ સાથે રિઝવાને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલીનો ખૂબ જ ખાસ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની રેન્કિંગમાં નંબર વન રહેલા મોહમ્મદ રિઝવાને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. રિઝવાને તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 52મી ઇનિંગમાં 2000 રન પૂરા કર્યા છે. ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાના મામલે રિઝવાન બાબરની બરાબરી પર પહોંચી ગયો છે.

વિરાટ કોહલીએ પોતાની T-20 કારકિર્દીની 56 મી ઇનિંગમાં 2000 રન પૂરા કર્યા હતા. પરંતુ હવે બાબર બાદ રિઝવાન પણ આ મામલે કોહલી કરતા આગળ પહોંચી ગયો છે. મંગળવારે કેએલ રાહુલે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 2000 રન પણ પૂરા કર્યા હતા. રાહુલે તેની કારકિર્દીની 58મી ઇનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું હતું અને તે સૌથી ઝડપી 2000 રનના મામલે ચોથા સ્થાને છે. એરોન ફિન્ચે તેની કારકિર્દીની 62 મી ઇનિંગમાં 2000 રન પૂરા કર્યા હતા.