પાકિસ્તાનનો વિકેટકીપર અને ઓપનર મોહમ્મદ રિઝવાન હાલમાં ICC T20 રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે. તેણે હાલમાં જ આ રેસમાં તેના સાથી ખેલાડી બાબર આઝમને પાછળ છોડ્યો છે. UAE માં ચાલી રહેલા એશિયા કપમાં પણ આ ખેલાડી શાનદાર ફોર્મમાં છે. રિઝવાને એશિયા કપ 2022માં અત્યાર સુધી રમાયેલી ચારેય મેચોમાં સારી ઇનિંગ્સ રમી હતી. હાલમાં તે એશિયા કપ 2022નો લીડ સ્કોરર પણ છે. અહીં વાંચો, રિઝવાનના મોટા T20 રેકોર્ડ્સ…

1. એક વર્ષમાં સૌથી વધુ રન : મોહમ્મદ રિઝવાને વર્ષ 2021 માં 1326 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. તે એક માત્ર એવો ખેલાડી છે જેણે એક કેલેન્ડર વર્ષમાં એક હજારથી વધુ રન પોતાના નામે કર્યા છે.

2. બેસ્ટ બેટિંગ એવરેજ : મોહમ્મદ રિઝવાને અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 52.05 ની બેટિંગ એવરેજથી રન બનાવ્યા છે. માત્ર રિઝવાન અને કોહલીની ટી20 ઈન્ટરનેશનલમાં સરેરાશ 50+ છે. અહીં કોહલી બીજા નંબરે છે (50.17).

3. એક કેલેન્ડર વર્ષમાં 100+ ચોગ્ગા : રિઝવાને વર્ષ 2021માં T20 ઈન્ટરનેશનલમાં 119 ચોગ્ગા ફટકાર્યા હતા. આજ સુધી અન્ય કોઈ ખેલાડી એક વર્ષમાં T20 ઈન્ટરનેશનલમાં 100 ચોગ્ગા ફટકારી શક્યો નથી.

4. એક વર્ષમાં સૌથી વધુ સિક્સર : રિઝવાને ગયા વર્ષે T20 ઈન્ટરનેશનલમાં 42 સિક્સર ફટકારી હતી. તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી છે. ન્યુઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ અહીં બીજા નંબરે છે. ગુપ્ટિલે પણ 2021 માં 41 સિક્સર ફટકારી હતી.

5. એક વર્ષમાં સૌથી વધુ 50+ રન : રિઝવાને વર્ષ 2021 માં T20 માં 12 અડધી સદી અને એક સદી ફટકારી હતી. એટલે કે કુલ 13 વખત તેણે 50+ રન બનાવ્યા છે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 50+ ઇનિંગ્સનો આ રેકોર્ડ છે. રિઝવાન પછી બાબર આઝમ (10) આવે છે.

6. ત્રીજો સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ : મોહમ્મદ રિઝવાન અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ચાર વખત ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ મામલામાં માત્ર વિરાટ કોહલી (7) અને બાબર આઝમ (5) જ તેનાથી આગળ છે.